તાજેતરમાં જાહેર થયેલ TAT-HS (ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ - હાયર સેકન્ડરી) મુખ્ય પરીક્ષાનું પરિણામ વિવાદના ભંવરમાં ફસાયું છે. ગત ૮ ઓગસ્ટના રોજ લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ ૫ નવેમ્બરના રોજ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું, જે બાદ હજારો ઉમેદવારોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. પરિણામમાં વ્યાપક અનિયમિતતાઓ અને ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રભાવિત ઉમેદવારોએ એકત્રિત થઈને મહેસાણા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર સુપરમાર્ત કર્યું હતું. ઉમેદવારોની સ્પષ્ટ માંગ છે કે નિષ્પક્ષ ન્યાય મળે અને તેમના ભવિષ્ય સાથે થયડા ચેડાં બાબતે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવે.
આ આંદોલનની સૌથી વિશેષ અને ચોંકાવનારી બાબત એ છે કે પરીક્ષા આપનાર ઉમેદવારોમાં માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ પ્રિલિમ્સના ટોપર્સ, યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ, ૧૦ થી ૧૫ વર્ષનો બહોળો શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો, પીએચડી કરી રહેલા સંશોધકો, પુસ્તક પ્રકાશકો અને રાજ્ય સરકારના શિક્ષણમંત્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી ચુકેલા પ્રતિષ્ઠિત શિક્ષકો પણ સામેલ હતા. આટલી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને વિષય પર પ્રભુત્વ ધરાવતા હોવા છતાં આ તમામ ઉમેદવારોના ગુણ સરેરાશ ૮૦ થી ૧૧૦ ની મર્યાદામાં જ અટવાયા છે. જે ઉમેદવારોએ ૧૫૦ થી વધુ ગુણનું સચોટ અને ગુણવત્તાસભર લખાણ કર્યું હતું, તેમના આશ્ચર્યજનક અને અપેક્ષા વિરુદ્ધના માર્ક્સ આવ્યા છે, જેના કારણે યુવા વર્ગમાં ભારે નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઉમેદવારોએ પોતાની રજૂઆતમાં પારદર્શિતા લાવવા માટે પાંચ મુખ્ય માંગણીઓ ઉઠાવી છે, જેમાં બંને પેપરના ગુણ અલગ-અલગ જાહેર કરવા, વિષયવાર મેરિટ લિસ્ટ બહાર પાડવું, ઉત્તરવહી વિદ્યાર્થીઓને જોવા માટે મળવી જોઈએ અને આન્સર કી જાહેર કરવાની માંગ સામેલ છે. આ ઉપરાંત પરિણામના આંકડાઓમાં રહેલી વિસંગતતાનો સંતોષકારક ખુલાસો આપવામાં આવે, ઉત્તરવહી તપાસનાર શિક્ષકોની લાયકાત તથા મૂલ્યાંકનના માપદંડો જાહેર કરવામાં આવે તેવી પણ પ્રબળ માંગ કરાઈ છે. ઉમેદવારોના હિતમાં તાત્કાલિક ધોરણે ઉત્તરવહીનું પુનઃ મૂલ્યાંકન (રિએસેસમેન્ટ) અને રિચેકિંગ હાથ ધરવામાં આવે જેથી સાચા અને લાયક ઉમેદવારો સાથે કોઈ અન્યાય ન થાય.
