JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ એક લાખની સપાટી વટાવી શકે છે: શેરબ્રોકર પરેશ વાઘાણી

આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ એક લાખની સપાટી વટાવી શકે છે: શેરબ્રોકર પરેશ વાઘાણી
શેરબજારમાં ચાલી રહેલી તેજી વચ્ચે આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ એક લાખના આંકડાને સ્પર્શી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે. વૈશ્વિક પરિબળો અને ટેક્સ રાહતોની આશાએ રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ બેઝ્ડ જાણીતા શેરબ્રોકર પરેશ વાઘાણીના જણાવ્યા અનુસાર, હાલમાં ભારતીય શેરબજારમાં તેજીની ગાડી બંબાટ આગળ વધી રહી છે અને બજારનું સમગ્ર વાતાવરણ સકારાત્મક બન્યું છે. શેરબજાર પર દેશની સાથે-સાથે વિદેશી ઘટનાઓની પણ સીધી કે આડકતરી અસર થતી હોય છે. તાજેતરમાં અમેરિકામાં મિડ-ટર્મ પોલ દરમિયાન ટ્રમ્પની હાર અને તેમના ફતવાઓમાં ઘટાડો થવાની સંભાવનાથી વૈશ્વિક સ્તરે રાહતનો શ્વાસ લેવાયો છે, જેની સીધી સકારાત્મક અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. આ ઉપરાંત, ચૂંટણીના પરિણામો બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં પણ મોટો કડાકો બોલાયો છે, જેના કારણે બજારમાંથી અચોક્કસતાનો ડર દૂર થયો છે અને રોકાણકારોનો આત્મવિશ્વાસ મજબૂત બન્યો છે.

બજારમાં આવેલા આ નવા ઉછાળા પાછળ સેબી દ્વારા નાણા મંત્રાલય સમક્ષ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ રજૂઆત પણ મુખ્ય કારણ છે. સેબીએ વિદેશી નાણાકીય સંસ્થાઓ (FII) પર લાગતો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ નાબૂદ કરવા ભલામણ કરી છે. જોકે નાણા મંત્રાલયે હજુ સુધી કોઈ સ્પષ્ટ ખાતરી આપી નથી, પરંતુ આ પ્રસ્તાવને કારણે રોકાણકારોમાં ભારે આશાવાદ જાગ્યો છે કે જો વિદેશી સંસ્થાઓને ટેક્સ રાહત મળશે તો તેઓ ભારતીય બજારમાં આક્રમક ખરીદી કરશે. આ સાથે જ ડોલર સામે રૂપિયાના સતત અવમૂલ્યનને લગતી ચિંતાઓ પણ થોડી અટકી છે અને રૂપિયો પણ સ્થિર થવાના સંકેતો આપી રહ્યો છે.

રોકાણકારો હવે અપેક્ષા રાખી રહ્યા છે કે જો વિદેશી સંસ્થાઓને કર રાહતો મળશે તો સ્થાનિક રોકાણકારો માટે પણ આગામી બજેટમાં સરકાર લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અથવા સિક્યુરિટીઝ ટ્રાન્જેક્શન ટેક્સમાં રાહત આપી શકે છે. સેકેન્ડરી માર્કેટમાં છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનથી દેખાઈ રહેલા મજબૂત વલણને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે જો સરકાર આગામી સમયમાં ટેક્સ માળખામાં સકારાત્મક ફેરફારો કરશે, તો ભારતીય શેરબજાર નવા શિખરો સર કરશે અને દિવાળી સુધીમાં સેન્સેક્સ એક લાખની ઐતિહાસિક સપાટીને પાર કરી જશે.

LATEST ARTICLES