કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા સોશિયલ મીડિયા પર ભગવાન શિવ અને માતા પાર્વતીની એક તસવીર શેર કર્યા બાદ દેશમાં નવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. રાહુલે આ તસવીર દ્વારા સંબંધો, પ્રેમ, સન્માન અને સમાનતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ સોનિયા ગાંધીની પુસ્તક વિમોચન વેળાએ રાહુલે માતા-પિતાના સંબંધો વિશે એક નિવેદન આપ્યું હતું, જેના પર સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ કર્નાટકના પ્રસિદ્ધ હલેબીડુ મંદિર પરિસરમાંથી શિવ-પાર્વતીની તસવીર પોસ્ટ કરીને પોતાના નિવેદનનો બચાવ કર્યો હતો, જેમાં માતા પાર્વતી ભગવાન શિવની ગોદમાં બેઠેલા દર્શાવાયા છે.
આ સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવતા જ ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે અને રાહુલ ગાંધીને ઇતિહાસના પાનાઓમાંથી સીધા સવાલો પૂછ્યા છે. ભાજપે એક્સ (ટ્વિટર) પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હલેબીડુ મંદિર પરિસરની તસવીર શેર કરનાર રાહુલે એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે હોયસલા સામ્રાજ્યની રાજધાની 'દ્વારસુદ્ર' નું નામ બદલીને હલેબીડુ એટલે કે 'જૂની રાજધાની' કેમ રાખવું પડ્યું હતું. પક્ષે યાદ અપાવ્યું કે ૧૩૧૧માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ મલિક કાફૂર અને બાદમાં મોહમ્મદ બિન તુગલકની સેનાએ આ ભવ્ય ક્ષેત્રને નિર્દયતાથી લૂંટ્યું હતું અને ધ્વસ્ત કર્યું હતું.
ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા પૂછ્યું છે કે શું તેઓ આ આક્રમણોનું ખુલ્લેઆમ નામ લેવાની અને તેની સખત નિંદા કરવાની હિંમત દાખવશે કે નહીં. હલેબીડુ મંદિર પરિસરમાં આજે પણ અસંખ્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ ભગ્ન અને ખંડિત અવસ્થામાં પડેલી છે, જે ભૂતકાળના અત્યાચારોની સાક્ષી પૂરે છે. કેસરિયા પક્ષે સીધો સવાલ ઉઠાવ્યો છે કે આ પૌરાણિક અને કલાત્મક મૂર્તિઓને કોણે તોડી હતી અને શું રાહુલ ગાંધી આ વિનાશ માટે જવાબદાર તાકાતોની આલોચના કરવાની ક્ષમતા ધરાવે છે? આ વિવાદ હાલ રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો મોટો વિષય બન્યો છે.
