બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા વધુ એક શક્તિશાળી વાવાઝોડાએ દરિયાકાંઠાના રાજ્યોની ચિંતામાં વધારો કરી દીધો છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આ વિસ્તારમાં આ ત્રીજું વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. તાજેતરમાં જ 'મુરાસુ' અને 'અર્નબ' નામના વાવાઝોડાએ અહીં ભારે તબાહી મચાવી હતી, ત્યારે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા જારી કરાયેલી ચેતવણી અનુસાર, ૧૬ નવેમ્બરની સાંજે ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરનાર આ સિસ્ટમ ૧૭ નવેમ્બરે વધુ ભીષણ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા તરફ ગતિ કરી રહ્યું છે.
આગામી જોખમને પહોંચી વળવા માટે ઓડિશા સરકારે તમામ સંવેદનશીલ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગે રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા માટે એનડીઆરએફ (NDRF), ઓડીઆરએએફ (ODRAF), ફાયર સર્વિસ અને ઇમરજન્સી સેવાની ટીમોને તૈનાત કરી છે તથા ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કર્મચારીઓની શનિવાર અને રવિવારની રજાઓ પણ રદ કરવામાં આવી છે. આ સાથે જ ખેડૂતોને ૧૮ અને ૧૯ નવેમ્બરે પડનાર સંભવિત વરસાદ પહેલા પાકની લણણી કરી લેવા તથા માછીમારોને તાત્કાલિક દરિયા કિનારે પાછા ફરવા કડક સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડાની આ અસરો માત્ર ઓડિશા પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેની વ્યાપક અસર દક્ષિણ અને પૂર્વ ભારતના અનેક રાજ્યો પર વર્તાશે. તમિલનાડુના ઉત્તરીય તટીય જિલ્લાઓ, પુડુચેરી, કરાઈકલ તેમજ પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઓડિશાના તટીય વિસ્તારોમાં ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. પ્રશાસન દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ પ્રકારની માનવ કે આર્થિક ખુવારી ટાળી શકાય.
