નવી દિલ્હીમાં સોનિયા ગાંધીના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'ના વિમોચન સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના પરિવારના ભૂતકાળના ઘણા અજાણ્યા અને રસપ્રદ કિસ્સાઓ શેર કર્યા હતા. તેમણે માતા સોનિયા અને પિતા રાજીવ ગાંધી વચ્ચેના ગાઢ પ્રેમ અને સંબંધો વિશે વાત કરતા જણાવ્યું કે, તેમના બાળપણમાં ભોજન સમયે સોનિયાજી હંમેશાં રાજીવ ગાંધીના ખોળામાં બેસતા હતા. રાહુલ ગાંધીએ હસતા હસતા એવું પણ જણાવ્યું કે, નાના ૧૧માં તેમને આ બધું સામાન્ય લાગતું હતું અને તેઓ મિત્રોના ઘરે જઈને પૂછતા કે તેમની માતાઓ કેમ પિતાના ખોળામાં નથી બેસતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના નેતા અમરિન્દર સિંહનો ઉલ્લેખ કરીને તેમણે એવો પણ કિસ્સો કહ્યો કે, તેમના માતા-પિતા જીવનમાં માત્ર એક જ વાર લડ્યા હતા જ્યારે પિતાજી અમરિન્દર સિંહ સાથે ફોન પર વ્યસ્ત હતા અને માતાજી કંઈક કહી રહ્યા હતા.
આ ખુશનુમા યાદોની સાથે જ રાહુલ ગાંધીએ પરિવાર પર તૂટી પડેલી કુદરતી અને રાજકીય આફતોને પણ અત્યંત ભાવુક અંદાજમાં યાદ કરી હતી. તેમણે કહ્યું કે તેમનો હસતો-રમતો પરિવાર અચાનક બરબાદ થઈ ગયો, જ્યારે તેમણે પહેલા પોતાની દાદી ઈન્દિરા ગાંધી અને બાદમાં પિતા રાજીવ ગાંધીને હિંસાનો ભોગ બનતા જોયા. રાહુલ ગાંધીએ માત્ર ૨૦ વર્ષની વયે પોતાના પિતાને ગુમાવ્યાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું કે પિતાના મૃત્યુ પછી તેમની ખુશમિજાજ અને હસતી માતાનું જીવન એકદમ બદલાઈ ગયું અને તેમના જીવનની જ્યોત જાણે બુઝાઈ ગઈ હતી. દાદી અને પિતાની હત્યા બાદ સોનિયા ગાંધી એકદમ અંતર્મુખી બની ગયા હોવાની માન્યતાને ફગાવતા રાહુલે કહ્યું કે તેઓ પહેલા ઘણાં બર્હિમુખી હતા, પરંતુ આ દુર્ઘટનાઓ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને દેશના લાખો લોકોએ તેમને અપનાવ્યા.
પોતાના કેમ્બ્રિજ યુનિવર્સિટીના દિવસોને યાદ કરતા રાહુલે એક હળવી ક્ષણ પણ શેર કરી હતી, જ્યાં તેઓ પોતાની 'ગર્લફ્રેન્ડ'ને તે રેસ્ટોરન્ટમાં લઈ ગયા હતા જ્યાં તેમના માતા-પિતા પહેલીવાર મળ્યા હતા. ત્યાંના રેસ્ટોરન્ટના દરવાજા પરના એક વ્યક્તિએ સોનિયા અને રાજીવ ગાંધીને ઓળખી કાઢ્યા હતા અને ત્યાંનું ખાવાનું સારું ન હોવા છતાં એક યાદગાર સંસ્મરણ તાજું થયું હતું. પોતાના સંબોધનના અંતે સોનિયા ગાંધી પ્રત્યેનો આદર વ્યક્ત કરતા રાહુલે જણાવ્યું કે ભલે આજે પિતા તેમની વચ્ચે નથી, પરંતુ જો તેઓ આજે હોત તો સોનિયા ગાંધીના આ સંઘર્ષ અને જીવન જોઈને સૌથી વધુ ગર્વ તેમણે જ અનુભવ્યો હોત.
