નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાતના સામાન્ય જનતા અને વાહનચાલકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. અદાણી બાદ હવે ગુજરાત એનર્જી (ગુજરાત ગેસ) દ્વારા સીએનજી (CNG) ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામ દીઠ ૫ રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ એક જ દિવસના તોતિંગ વધારાને કારણે અગાઉ ૮૮.૭૬ રૂપિયા પ્રતિ કિલો મળતો સીએનજી હવે વધીને સીધો ૯૩.૭૬ રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયો છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા અને વધેલા દર ગત રાત્રિલ ીબારે ૧૨ વાગ્યાથી સમગ્ર રાજ્યમાં અમલી પણ કરી દેવામાં આવ્યા છે, જેનાથી ગ્રાહકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.
અગાઉ ૧૮ ઓગસ્ટના રોજ ગુજરાત એનર્જી દ્વારા સીએનજીના ભાવમાં ૩.૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જે તે સમયે વધીને ૮૮.૭૬ રૂપિયા થયો હતો. આમ, લગભગ ચાર મહિનાના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર ગેસના ભાવોમાં ભડાકો જોવા મળ્યો છે. અગાઉ દિવાળીના તહેવારોની આસપાસ અદાણી જૂથ દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કરીને નાગરિકોનું બજેટ ખોરવી નાખ્યું હતું, અને હવે નવા વર્ષના પ્રારંભે જ ગુજરાત ગેસ દ્વારા લેવાયેલા આ પગલાથી વાહનચાલકોની મુશ્કેલીઓમાં બેવડો વધારો થયો છે.
આ અચાનક અને મોટા ભાવવધારાને કારણે ખાસ કરીને સીએનજીથી ચાલતી કાર, ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. દિન-પ્રતિદિન સીએનજીના ભાવોમાં થઈ રહેલા સતત વધારાના કારણે હવે સીએનજી અને પેટ્રોલના ભાવ વચ્ચેનું અંતર નામમાત્ર રહ્યું છે, જે બંને લગભગ સમકક્ષ પહોંચી ગયા છે. ભાડા કે આવકવ્યવસ્થામાં પૂરતો વધારો થયા વગર ઇંધણના ભાવ આકાશને આંબી રહ્યા હોવાથી મધ્યમવર્ગીય નાગરિકો અને પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે પોતાના વાહનો ચલાવવા અત્યંત મુશ્કેલ બનતા જઈ રહ્યા છે.
