JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

દાહોદના દેવગઢબારીયામાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનો બેવડો માર: ચોમાસું પાક નિષ્ફળ જતાં ખેડૂતો ચિંતામાં

દાહોદના દેવગઢબારીયામાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનો બેવડો માર: ચોમાસું પાક નિષ્ફળ જતાં ખેડૂતો ચિંતામાં
દેવગઢબારીયા તાલુકામાં ઓછા અને કમોસમી વરસાદના કારણે ચોમાસું પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. હવે ખેડૂતો શિયાળુ વાવેતર માટે સિંચાઈના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના ખેડૂતો પર ચાલુ વર્ષે કુદરતે બેવડો માર વરસાવ્યો છે. ચોમાસાની શરૂઆતમાં મકાઈ, મગફળી, કપાસ, સોયાબીન અને ડાંગર જેવા પાકોની સારી આશા સાથે ખેડૂતોએ મોટા પાયે વાવેતર કર્યું હતું, પરંતુ મેઘરાજાની રૂઠામણના કારણે સમગ્ર સિઝનનું ચિત્ર બદલાઈ ગયું. લાંબા સમય સુધી વરસાદ ખેંચાવાના કારણે ખેતરોમાં ઊભો પાક સૂકાવા લાગ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં તો પાક શરૂઆતના તબક્કામાં જ નિષ્ફળ ગયો હતો. આ મુશ્કેલ સમયમાં જે ખેડૂતો પાસે કૂવા કે બોરની સગવડ હતી તેમણે મોંઘા ભાવનું ડિઝલ અને મોટર દ્વારા પાણી પાઈને પાકને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પોતાની બચત અને દેવું કરીને પણ પાકને જીવંત રાખવા મથામણ કરનાર અન્નદાતાઓની આશા પર પાક તૈયાર થવાના સમયે પડેલા કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું હતું.

ચોમાસાના પાકમાં વ્યાપક નુકસાન વેઠ્યા બાદ હવે અન્નદાતાઓ શિયાળુ વાવેતરની તૈયારીઓમાં લાગી ગયા છે, પરંતુ તેમની સામે સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન સિંચાઈના પાણીનો ઊભો થયો છે. પાણીની અછતને કારણે આગામી પાકનું વાવેતર કેવું થશે તેને લઈને ખેડૂતો ભારે ચિંતામાં છે. ખેડૂતોની સરકાર પાસે કોઈ મોટી માંગણીઓ નથી, પરંતુ તેમની મૂળભૂત જરૂરિયાતો સ્પષ્ટ છે કે જો તેમને સમયસર સિંચાઈનું પાણી મળે, ખેતી માટે જરૂરી ખાતર-બિયારણ જેવી સામગ્રી વાજબી ભાવે ઉપલબ્ધ થાય અને પરસેવો પાડીને તૈયાર કરેલા પાકનો યોગ્ય બજાર ભાવ મળે તો તેઓ આત્મનિર્ભર બનીને સારી ખેતી કરી શકે તેમ છે.

આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સ્થાનિક ખેડૂતો દ્વારા ઉદવહન સિંચાઈ યોજનાનો સહારો લેવા માટે રજૂઆતો થઈ રહી છે. જો તંત્ર દ્વારા દેવગઢબારીયા તાલુકાના તળાવોમાં ઉદવહન સિંચાઈ યોજનાનું પાણી છોડવામાં આવે તો તેનાથી તળાવો ભરાઈ જશે અને ભૂગર્ભ જળસ્તર એટલે કે કૂવા અને બોરનું પાણીનું સ્તર ઊંચું આવી શકે છે. જળસ્તર સુધરવાથી ખેડૂતોને શિયાળુ પાક પકવવામાં મોટી રાહત મળી રહેશે અને તેમની આર્થિક સ્થિતિ પણ સુધરશે. હાલ તો ખેડૂતો સરકારી સહાય અને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તેવી આશા સાથે આકાશ તરફ મીંડી માંડીને બેઠા છે.

LATEST ARTICLES