આજના આધુનિક યુગમાં અનિયમિત જીવનશૈલી, ખોટી ખાનપાનની આદતો અને શારીરિક શ્રમના અભાવને કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, જો સમયસર સાવચેતી રાખવામાં ન આવે તો મેદસ્વીપણું અને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ગંભીર રીતે વધી શકે છે. જો કે આ સમસ્યાથી બચવા માટે મોંઘી દવાઓ કે ઉપાયો કરવાને બદલે રોજિંદા જીવનમાં કેટલીક સ્વાસ્થ્યવર્ધક આદતોનો સમાવેશ કરવો પૂરતો છે. નિષ્ણાતો સૂચવે છે કે યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ અને સમયસર સ્વાસ્થ્ય તપાસ દ્વારા આ રોગને અસરકારક રીતે અટકાવી શકાય છે.
ડાયાબિટીસથી બચવાની શરૂઆત સૌથી પહેલા આપણી ખાણી-પીણીની આદતો સુધારવાથી થાય છે. રોજિંદા જીવનમાં કોલ્ડ ડ્રિંક્સ, પે્કેજ્ડ જ્યૂસ અને વધુ પડતી ખાંડવાળી ચાનું સેવન ટાળવું અત્યંત આવશ્યક છે કારણ કે તે શરીરમાં કેલરીનો બોજ વધારે છે. આ ઉપરાંત મેંદો, સફેદ બ્રેડ અને પ્રોસેસ્ડ ફૂડ જેવા રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ બ્લડ શુગરનું લેવલ અસંતુલિત કરે છે. તેના બદલે આહારમાં ફાઇબરયુક્ત ફળો, લીલા શાકભાજી, આખા અનાજ અને દાળનો સમાવેશ કરવો જોઈએ તેમજ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાની ટેવ છોડીને રોજ ઓછામાં ઓછી અડધી કલાક ચાલવું કે કસરત કરવી જોઈએ.
શારીરિક સક્રિયતાની સાથે માનસિક સ્વાસ્થ્ય અને પૂરતી ઊંઘ પણ ડાયાબિટીસના નિયંત્રણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અપૂરતી ઊંઘ અને સતત માનસિક તણાવ શરીરમાં ઇન્સ્યુલિનની કાર્યપ્રણાલીને નબળી પાડે છે, તેથી દરરોજ સાતથી નવ કલાકની ગાઢ ઊંઘ લેવી અને તણાવ મુક્ત રહેવા યોગ કે મેડિટેશનનો સહારો લેવો જોઈએ. આ ઉપરાંત, ડાયાબિટીસ ઘણીવાર શરૂઆતમાં કોઈ સ્પષ્ટ લક્ષણો વગર પણ વધી શકે છે, તેથી સમયાંતરે બ્લડ શુગરનું પરીક્ષણ કરાવતા રહેવું સમજદારી છે. નાની નાની બાબતોમાં કરવામાં આવેલા આ બદલાવો ભવિષ્યમાં મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓથી રક્ષણ પૂરું પાડી શકે છે.
