વિરમગામ શહેરમાં સોમવારે પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી મહોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સ્થાનિક લોહાણા સમાજના વિશેષ સહયોગથી આયોજિત આ મહોત્સવ નિમિત્તે અક્ષર નગર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ જલારામ મંદિરને દીપાવલી પર્વની જેમ જ રંગબેરંગી અને આકર્ષક રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. સોમવારની સવારની શરૂઆત ધાર્મિક વિધિઓ સાથે થઈ હતી, જેમાં મંદિરે નવી ધજા રોહણ કરાતા વાતાવરણ પવિત્ર અને ઉત્સાહભર્યું બની ગયું હતું.
મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય શોભાયાત્રા ગુરુકૃપા સોસાયટીથી ઉત્સાહભેર પ્રસ્થાન પામી હતી. બપોરના વિરામ બાદ આ શોભાયાત્રાએ વિરમગામના મુખ્ય રાજમાર્ગો પર ભ્રમણ કર્યું હતું અને સાંજના સુમારે પરત સંત શ્રી જલારામ મંદિરે આવીને સંપન્ન થઈ હતી. ઢોલ-નગારાં અને વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોહાણા પરિવારજનો ઉપરાંત અન્ય શ્રદ્ધાળુઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા, જેણે સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ ઊભો કર્યો હતો.
આ પવિત્ર અવસરે સંતો-મહંતો અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમમાં જાનકીદાસ બાપુ, રઘુવીર સ્વામી અને શ્રીજી સ્વામીના પાવન સાંનિધ્ય સાથે નગરપાલિકાના પ્રમુખ યોગેશ પટેલ તેમજ ઉપપ્રમુખ ભારતીબેન વજાની સહિતના અનેક રાજકીય અને સામાજિક હોદ્દેદારો ઉપસ્થિત રહી જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સહુએ બાપાની માનવતા અને સેવાનિષ્ઠાને યાદ કરી ધન્યતા અનુભવી હતી.
