JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

બિલકિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે બે દોષિતોની આજીવન કેદ પર રોક લગાવી દીધી જામીન મંજૂર

બિલકિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે બે દોષિતોની આજીવન કેદ પર રોક લગાવી દીધી જામીન મંજૂર
સુપ્રીમ કોર્ટે ૧૭ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂકેલા બિલકિસ બાનો ગેંગરેપ અને હત્યા કેસના બે દોષિતોની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી જામીન આપ્યા છે. કાયદાકીય મુદ્દાઓ અને એક આરોપીની ગંભીર દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને આ આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતના ચકચારી ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન બિલકિસ બાનો સાથે થયેલ અતિ ગંભીર ગેંગરેપ અને હત્યાના મામલામાં નવો મોડ આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે દોષિતોની સજા પર રોક લગાવીને તેમને જામીન પર મુક્ત કરવાનો મહત્વનો આદેશ આપ્યો છે. જસ્ટિસ એમ.એમ.સુંદરશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે ગત ૨૮ ઓક્ટોબરે આ ચુકાદો આપ્યો હતો. આ બંને દોષિતોએ બોમ્બે હાઈકોર્ટના ૨૦૧૭ના તે નિર્ણયને પડકાર્યો હતો, જેમાં હાઈકોર્ટે તેમની દોષસિદ્ધિ અને આજીવન કેદની સજાને યથાવત રાખી હતી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે આ બંને દોષિતો જેલમાં ૧૭ વર્ષથી વધુનો લાંબો સમય વિતાવી ચૂક્યા છે. આ સાથે જ અદાલતે એ બાબતને પણ ગંભીરતાથી ધ્યાને લીધી કે અપીલમાં કાયદા અને તથ્યો સાથે જોડાયેલા કેટલાક એવા મહત્વના સવાલો છે, જેના પર વિસ્તૃત સુનાવણી અને અંતિમ ફેસલો આવવાનો હજુ બાકી છે. આ ઉપરાંત, બે દોષિતો પૈકી એક આરોપી ગંભીર રીતે દિવ્યાંગ હોવાનું પણ કોર્ટના ધ્યાને આવ્યું હતું. દોષિતોના વકીલે દલીલ કરી હતી કે એક આરોપીનું નામ મૂળ એફઆઈઆરમાં પણ નહોતું અને ઘટનાના ત્રણ વર્ષ બાદ તેને આરોપી બનાવવામાં આવ્યો હતો, જ્યારે બીજા આરોપીની શારીરિક સ્થિતિ અત્યંત નાજુક છે.

બીજી બાજુ, સરકારી પક્ષના વિશેષ સોલિસિટર જનરલ રાજા ઠાકરેએ આ અરજીનો સખત વિરોધ કરતા રજૂઆત કરી હતી કે હાઈકોર્ટે તમામ સાક્ષીઓ અને ઉપલબ્ધ પુરાવાઓની બારીકાઈથી ચકાસણી કર્યા બાદ જ યોગ્ય દોષસિદ્ધિ અને સજાનો નિર્ણય કર્યો છે. તમામ દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કાયદાકીય પ્રક્રિયાને આધીન શરતો સાથે જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓગસ્ટ ૨૦૨૨માં ગુજરાત સરકાર દ્વારા આ ૧૧ દોષિતોને સમય પહેલા મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૨૪માં તેમની મુક્તિના તે વિવાદાસ્પદ આદેશને રદ બાતલ ઠેરવ્યો હતો.

LATEST ARTICLES