કુવૈતના પોર્ટ શુઆઈબા ખાતે ‘ઓપરેશન એપિક ફ્યુરી’ દરમિયાન થયેલા એક વિનાશક ઈરાની ડ્રોન હુમલામાં છ અમેરિકી સૈનિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ ભયાનક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા આર્મી મેજર સ્ટીફન રામસબોટમે હવે યુએસ કોંગ્રેસના હાઉસ એન્ડ સેનેટ આર્મ્ડ સર્વિસિસ કમિટી સમક્ષ એક સત્તાવાર વ્હિસલબ્લોઅર ફરિયાદ દાખલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, કમાન્ડ પોસ્ટ પર હુમલાનું જોખમ હોવા છતાં અને અગાઉ અનેક ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં, સેનાના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં સંપૂર્ણ બેદરકારી દાખવવામાં આવી હતી. આ હુમલામાં સેનાની નબળી વ્યુહરચના અને આયોજનના અભાવને કારણે જ સૈનિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું તેમણે સ્વીકાર્યું છે.
ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપો મુજબ, હુમલાનો ભોગ બનેલી આ કમાન્ડ પોસ્ટ માત્ર કાર બોમ્બ જેવા સામાન્ય જોખમો સામે રક્ષણ આપવા સક્ષમ હતી અને ત્યાં હવાઈ હુમલા સામે રક્ષણ આપે તેવી કોઈ જ આધુનિક કે મજબૂત સુરક્ષા દીવાલો કે સિસ્ટમ નહોતી. મેજર રામસબોટમે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના લોજિસ્ટિક્સ વડા મેજર જનરલ જ્હોન હિનસન સમક્ષ બેઠકો દરમિયાન આ સુરક્ષા ક્ષતિઓ અંગે બે વખત ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ તેમને "ચિંતા કરવાની કોઈ જરૂર નથી" કહીને જવાબ ટાળી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ પોસ્ટ પર કોઈ તબીબ, કાયમી મેડિકલ એઈડ સ્ટેશન કે પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ ન હતી, અને એન્ટિ-ડ્રોન સિસ્ટમ મોકલવાની ખાતરી આપવા છતાં તે ક્યારેય ત્યાં પહોંચી જ નહોતી.
ઘટના બાદ અમેરિકી રક્ષા સચિવ પીટ હેગસેથે આ પથક પૂરતી સુરક્ષાથી સજ્જ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ આ દાવા સામે સવાલો ઉઠતા હવે રાજકીય અને લશ્કરી સ્તરે પારદર્શિતાની માંગ પ્રબળ બની છે. સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે આ મામલે રક્ષા સચિવ પાસે સ્પષ્ટતા માંગીને પીડિત પરિવારજનો અને ઘાયલ સૈનિકોને ન્યાય અપાવવા માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. આ ગંભીર ત્રુટિઓએ અમેરિકી સૈન્યની વિદેશી મથકો પરની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ખડા કરી દીધા છે અને ભવિષ્યમાં આવા હુમલાઓ ટાળવા માટે લશ્કરી નેતૃત્વએ કડક પાઠ શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
