સોમવારે અમેરિકાના નાણાકીય ક્ષેત્રે એક મોટી અફરાતફરી જોવા મળી હતી જ્યારે બેંક ઓફ અમેરિકા, ચેઝ, જેપી મોર્ગન, વેલ્સ ફાર્ગો અને ઝેલ (Zelle) જેવા દિગ્ગજ નાણાકીય સંસ્થાઓના ગ્રાહકોને તેમના ઓનલાઈન ખાતા એક્સેસ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ 'ડાઉનડિટેક્ટર' પર હજારો યુઝર્સે ઓનલાઈન લોગિન, બેલેન્સ ચેક કરવા, મની ટ્રાન્સફર અને વાયર ટ્રાન્ઝેક્શનમાં આવી રહેલી અડચણો અંગે ફરિયાદો નોંધાવી હતી. ચેઝ બેંકના ગ્રાહકોને લોગિન કરતી વખતે "કેટલી સેવાઓ ઉપલબ્ધ નથી" તેવી એરર નોટિસનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે બેન્કિંગ સેવાઓ થોડા સમય માટે ઠપ થઈ ગઈ હતી.
આ ગંભીર સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા ચેઝ બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કોઈ સાયબર સુરક્ષાનો મુદ્દો કે હેકિંગ નથી, પરંતુ એક સામાન્ય ટેકનિકલ ખામી છે. તકનીકી સમસ્યાના કારણે કેટલાક ટ્રાન્ઝેક્શન પૂરા થવામાં સામાન્ય કરતા વધુ સમય જરૂર લાગી રહ્યો છે, પરંતુ ગ્રાહકોના નાણાં અને ખાતાઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. બેંકની ટેકનિકલ ટીમો આ સમસ્યાને વહેલી તકે ઉકેલવા અને સિસ્ટમ પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે, જેથી ગ્રાહકોને ફરીથી સાનુકૂળ ડિજિટલ બેન્કિંગનો અનુભવ મળી શકે.
આ બેન્કિંગ ડાઉનટાઇમની ઘટના માઈક્રોસોફ્ટની વૈશ્વિક સિસ્ટમમાં સર્જાયેલા મોટા આઉટેજના થોડા જ દિવસો બાદ સામે આવી છે. અગાઉ માઈક્રોસોફ્ટના આઉટેજને કારણે આઉટલુક, ટીમ્સ અને કોપાયલોટ જેવી વ્યાપકપણે વપરાતી સેવાઓ કલાકો સુધી પ્રભાવિત થઈ હતી, જેના માટે કંપનીએ ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો. માઈક્રોસોફ્ટના અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે હાઈ ટ્રાફિક અને સર્વર ક્ષમતા ઘટવાને કારણે નેટવર્કિંગ ગેટવેમાં જૂની ખામી જાગી હતી, જેની અસર ડિજિટલ માળખા પર પડી હતી. સતત બની રહેલી આવી ટેકનિકલ ઘટનાઓ વૈશ્વિક સ્તરે ડિજિટલ પ્લેટફોર્મ્સ અને ઓનલાઈન સિસ્ટમ્સની મજબૂતાઈ સામે સવાલો ઊભા કરી રહી છે.
