JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

જેપી મોર્ગન ચેઝ બેંકમાં ટેકનિકલ ખામી સર્જાતા ગ્રાહકોને ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી

જેપી મોર્ગન ચેઝ બેંકમાં ટેકનિકલ ખામી સર્જાતા ગ્રાહકોને ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી
અમેરિકાની અગ્રણી જેપી મોર્ગન ચેઝ બેંકમાં ટેકનિકલ ખામી સર્જાતા ગ્રાહકોના વ્યવહારોમાં વિલંબ થયો છે. જોકે, બેંકે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોના નાણાં સુરક્ષિત છે અને આ સમસ્યા સાયબર સિક્યોરિટી સાથે જોડાયેલી નથી.

વિશ્વની અગ્રણી નાણાકીય સંસ્થાઓમાં ગણાતી જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીની ઓનલાઈન સેવાઓમાં સોમવારે અચાનક વિક્ષેપ સર્જાતા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બેંકના પ્રવક્તાએ ઇમેલ દ્વારા જારી કરેલા નિવેદનમાં સ્વીકાર્યું હતું કે ટેકનિકલ ખામીના કારણે કેટલાક ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થવામાં સામાન્ય કરતા વધુ સમય લઈ રહ્યા છે. આ અચાનક સર્જાયેલી સમસ્યાને કારણે ગ્રાહકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી, પરંતુ બેંકે તુરંત જ સ્પષ્ટતા કરી હતી કે ગ્રાહકો હજુ પણ તેમના ખાતા અને ફંડ્સનો ઉપયોગ કરવા માટે સક્ષમ છે અને બેંકની ટેકનિકલ ટીમ આ મુદ્દાને વહેલી તકે ઉકેલવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

આ ટેકનિકલ સમસ્યા સામે આવતા જ ટ્રેકિંગ પ્લેટફોર્મ ડાઉનડેટક્ટર પર ટણકોડો ફરિયાદોનો ધોધ છૂટ્યો હતો, જેમાં સોમવાર સુધીમાં ૩,૦૦૦થી વધુ યુઝર્સે સેવામાં વિક્ષેપ હોવાની નોંધણી કરાવી હતી. આ પ્લેટફોર્મના આંકડા મુજબ નોંધાયેલી કુલ સમસ્યાઓમાંથી ૪૭ ટકા મુશ્કેલીઓ બેંકની વેબસાઇટ સાથે સંબંધિત હતી, જ્યારે ૨૨ ટકા ગ્રાહકો ફંડ ટ્રાન્સફર કરવામાં અને ૧૭ ટકા યુઝર્સ લોગિન કરવામાં પરેશાની અનુભવી રહ્યા હતા. ગ્રાહકોની આ મૂંઝવણની સીધી અસર બેંકના શેરબજાર પર પણ જોવા મળી હતી, જ્યાં ન્યૂયોર્ક ખાતે બપોરે ૧:૩૩ વાગ્યે જેપી મોર્ગનનાં શેર ૨.૩ ટકા ઘટીને ૩૩૮.૨૪ ડૉલર પર પહોંચી ગયા હતા, જેના કારણે આ વર્ષનો એકંદર નફો ઘટીને લગભગ ૫ ટકા આસપાસ રહી ગયો હતો.

દરમિયાન, અમેરિકામાં માત્ર જેપી મોર્ગન જ નહીં પરંતુ ચેઝ બેંક, બેંક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો અને યુએસ બેંક જેવી અન્ય જાણીતી બેંકો પણ સમાન પ્રકારના સર્વિસ ડિસ્પ્શનનો સામનો કરી રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ બેંક આઉટેજની ઘટના તાજેતરમાં જ દેશવ્યાપી વિમાન ઉડાનોમાં સર્જાયેલા ભયાનક વિક્ષેપના માત્ર થોડા જ દિવસોમાં બની છે, જોકે સંબંધિત સૂત્રો અને સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર બેંકની આ તકનીકી ખામી પાછળ કોઈ સાયબર ક્રાઈમ કે હેકિંગ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. બેંક પ્રશાસન દ્વારા ગ્રાહકોને ખાતરી આપવામાં આવી છે કે તેમની આર્થિક સુરક્ષા સર્વોપરી છે અને ટૂંક સમયમાં જ તમામ બેંકિંગ સેવાઓ રાબેતા મુજબ પૂર્વવત થઈ જશે.

LATEST ARTICLES