રાજકોટ શહેરના શીતલ પાર્ક પાસે આવેલી શહીદ ભગતસિંહ ટાઉનશીપમાં રહેતી ૩૫ વર્ષીય રીંકલબેન હિતેશભાઈ વડાલીયાએ પોતાના જ ઘરે રાત્રિના સમયે અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પરિવારજનોને આ ઘટનાની જાણ થતા જ ઘરમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે રીંકલબેનને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ જેતપુરના વતની એવા રીંકલબેન રાજકોટમાં રહીને એક ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા, જ્યારે તેમના પતિ હિતેશભાઈ ગામડે રહીને ખેતીકામ સંભાળે છે. દંપતીને સંતાનમાં એક પુત્ર પણ છે જે હાલ અભ્યાસ કરી રહ્યો છે. સૌથી દુઃખદ બાબત એ છે કે જે દિવસે પરિણીતાએ આ આત્મઘાતી પગલું ભર્યું, તે જ દિવસે તેમની સગી બહેનની પ્રથમ પુણ્યતિથિ હતી.
પોલીસ તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે પોતાના મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી અને લખ્યું છે કે તેઓ પોતાની મરજીથી આ પગલું ભરે છે. આ સાથે જ તેમણે પોતાની અંતિમવિધિ પિયરમાં કરવા અને પોતાના પુત્રને સાચવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલ યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ દ્વારા આ મામલે અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે અને પરિણીતાએ આત્યંતિક પગલું શા માટે ભર્યું તે દિશામાં પરિવારજનોના નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
