જામનગરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા અને વર્ષ ૨૦૧૮માં બેંકની નોકરીમાંથી નિવૃત્ત થયેલા ૬૩ વર્ષીય જયેશ પરશોત્તમભાઈ ઓઝા સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ગત ૧૦ ઓક્ટોબરના રોજ તેમના પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, ત્યારબાદ વોટ્સએપ પર કોલ કરીને પોતાને ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ઓળખાવતા રાહુલ કુલકર્ણી નામના શખ્સે તેમને માનસિક દબાણમાં લાવવાનું શરૂ કર્યું હતું. ઠગબાજોએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેમના આધારકાર્ડનો દુરુપયોગ કરીને એક સીમકાર્ડ લેવામાં આવ્યું છે, જેનો ઉપયોગ બિભત્સ ફોટા અને વીડિયો મોકલવા તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે થયો છે. આ મામલે મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં અંદાજે ૨૦ જેટલા લોકો સામે ગુનો નોંધાયો હોવાનું કહીને તેમને ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનો ખોટો ભય બતાવવામાં આવ્યો હતો.
ઠગબાજોએ પોતાની ઓળખ સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તરીકે આપીને નિવૃત્ત બેંકકર્મીને અલગ રૂમમાં રહેવા અને આ વાતની જાણ કોઈને પણ નહીં કરવાની કડક સૂચના આપી હતી. જો તેઓ કોઈને આ અંગે જણાવશે તો તેને રાષ્ટ્રીય સુરક્ષાનો ભંગ ગણીને તુરંત ધરપકડ કરવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ જેવા ગંભીર ગુનાઓમાં ફસાઈ ગયા હોવાનું જણાવીને ગઠિયાઓએ નકલી દસ્તાવેજો અને નોટિસો મોકલીને વૃદ્ધને સંપૂર્ણપણે ડરાવી દીધા હતા. ઠગાઈ કરનારાઓએ તેમને નિર્દોષ સાબિત થવા માટે બેંક ખાતામાં રહેલી રકમ સરકારી તપાસ અર્થે ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું અને તપાસ પૂરી થયા બાદ આ નાણાં પરત મળી જશે તેવી ભ્રામક ખાતરી પણ આપી હતી.
ડિજિટલ અરેસ્ટના ભય હેઠળ આવી ગયેલા નિવૃત્ત કર્મચારીએ ઠગબાજોની સૂચના મુજબ જુદી જુદી તારીખોએ વિવિધ બેંક ખાતાઓમાં ઓનલાઈન નાણાં જમા કરાવવાનું શરૂ કર્યું હતું. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સહિતના ખાતાઓમાંથી રૂ. ૩,૧૫,૦০০, રૂ. ૧૦ લાખ અને રૂ. ૧૭ લાખ એમ અલગ-અલગ તબક્કે કુલ રૂ. 42,25,000 ની માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડનો અહેસાસ થતાં અંતે ભોગ બનનારે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ખાતાની વિગતોના આધારે ઠગબાજોને પકડી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
