પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આદિવાસી સમાજના આરાધ્ય દેવ ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. આ અવસરે એક રાજકીય દ્રશ્ય મોટે પાયે આશ્ચર્ય સર્જનારું રહ્યું હતું, જ્યાં અગાઉ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરનાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ સત્તાવાર ભાજપના કાર્યક્રમની સમાંતર એક જ મંચ પર જોવા મળ્યા હતા. વિપક્ષી દળોની આ સંયુક્ત સભામાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત યુવા નેતાઓ અને આપના અગ્રણીઓની ઉપસ્થિતિએ આગામી રાજકીય સમીકરણો તરફ ઈશારો કર્યો છે.
આ સંયુક્ત કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં આમ આદમી પાર્ટીના પ્રભાવી નેતાઓ ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયાની કામગીરીના જાહેરમાં વખાણ કરવામાં આવ્યા હતા, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેકવિધ તર્ક-વિતર્ક વહેતા થયા છે. ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા આપને ભાજપની 'બી ટીમ' ગણાવવામાં આવતી હતી, પરંતુ આ મંચે બંને પક્ષો વચ્ચે બદલાતા સમીકરણો અને સંભવિત સહયોગની નવી કેડીઓ કંડારી દીધી હોય તેવું પ્રતીત થાય છે.
સભાને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે મોરવા હડફ અને ગોધરા સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કરીને આદિવાસી સમાજના હકો માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આદિવાસી વિસ્તારોમાં પાણી, શિક્ષણ, વીજળી અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું જણાવીને ચિંતા વ્યક્ત કરી હતી. સાથેસાથે, બનાવટી આદિવાસીઓ દ્વારા લાભો હડપ કરવાના મુદ્દે કડક નિયમો બનાવવા અને જંગલ ખાતા દ્વારા આદિવાસીઓને થતી કનડગત અટકાવવા ભાર મૂક્યો હતો. આગામી સમયમાં જનતાએ જ ચૂંટણી અંગે યોગ્ય નિર્ણય લેવો પડશે તેવું જણાવીને તેમણે રાજકીય ગરમાવો વધારી દીધો હતો.
