વર્ષના સૌથી મોટા તહેવાર ગણાતા દિવાળી પર્વોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ 108 આપાતકાલિક એમ્બ્યુલન્સ સેવા ધમધમતી રહી હતી. દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ મુખ્ય ત્રણ દિવસો દરમિયાન તહેવારોની ઉજવણી અને ભારે મુસાફરીના કારણે બંને જિલ્લાઓમાં ઇમરજન્સી કોલ્સની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. પૂર્વાનુમાન મુજબ જામનગર જિલ્લામાં સામાન્ય દિવસોની સરખામણીએ બેસતા વર્ષના દિવસે માર્ગ અકસ્માતોમાં ૨૦૨ ટકા સુધીનો ભારે વધારો નોંધાયો હતો, જ્યારે દિવાળી અને ભાઈબીજના દિવસે પણ અકસ્માત તથા મારામારીની ઘટનાઓમાં નોંધપાત્ર વ્યાપ જોવા મળ્યો હતો.
યાત્રાધામ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોની ભારે અવરજવરને કારણે ઇમરજન્સી કેસો સતત વધતા રહ્યા હતા. દ્વારકા પંથકમાં સામાન્ય દિવસોની સરેરાશ સામે ત્રણેય તહેવારી દિવસોમાં કેસો ઊંચા રહ્યા હતા જેમાં ખાસ કરીને વાહન અકસ્માતો અને નાના-મોટા મારામારીના બનાવો મુખ્ય રહ્યા હતા. જો કે, આ તમામ પડકારો વચ્ચે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તહેવારોની મોસમમાં દર્દીઓને કોઈપણ વિલંબ વિના તાત્કાલિક ધોરણે અત્યાધુનિક તબીબી સારવાર મળી રહે તે માટેનું આગોતરૂ અને સઘન આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આપાતકાલિક સ્થિતિને પહોંચી વળવા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જામનગરમાં ૪૫ અને દ્વારકામાં ૩૪ એમ કુલ ૭૯ જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને તેમાં ફરજ બજાવતા પાયલોટ, ઇએમટી તથા પેરામેડીકલ સ્ટાફ સહિત કુલ ૪૩૦થી વધુ કર્મચારીઓની ટીમ ખડેપગે તૈનાત રહી હતી. ફિલ્ડ સ્ટાફની સતર્કતા અને સમયસરની સચોટ કામગીરીના લીધે પંથકમાં અકસ્માત અને ઇમરજન્સીનો ભોગ બનેલા અસંખ્ય નાગરિકોના અમૂલ્ય પ્રાણ બચાવી શકાયા હતા.
