ગુજરાત રાજ્યમાં ગુનેગારોને કાયદાના શીંકેજમાં જકડી રાખીને સજા અપાવવાના પ્રમાણમાં નોંધપાત્ર અને સકારાત્મક વધારો જોવા મળ્યો છે. અગાઉ પોલીસ તપાસ અને અદાલતી કાર્યવાહી વચ્ચે પૂરતા સંકલનના અભાવે અનેક ગંભીર ગુનાના આરોપીઓ માત્ર ટેકનિકલ ખામીઓ કે કાનૂની છટકબારીઓનો લાભ લઈને નિર્દોષ છૂટી જતા હતા. આ સમસ્યાને ડામવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના અંતર્ગત ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન (DOP)ને પોલીસ તપાસ દરમિયાન સીધું માર્ગદર્શન અને સલાહ-સૂચન આપવાની વિશેષ સત્તા સોંપવામાં આવી હતી. આ સામુહિક પ્રયાસોના પરિણામે રાજ્યમાં આશરે ૧૦ ટકા જેટલો નીચો રહેલો કન્વિક્શન રેટ વર્ષ ૨૦૨૪માં વધીને ૧૪ ટકા થયો અને વર્ષ ૨૦૨૬ના સપ્ટેમ્બર માસ સુધીમાં આ દર વધીને સીધો ૨૧.૫૮ ટકા પર પહોંચી ગયો છે.
આ પરિવર્તન પાછળ કેસોનું સતત મોનિટરિંગ અને કાગળ પર રહેતી કાયદાકીય ક્ષતિઓને સમયસર સુધારવાની પદ્ધતિ મુખ્ય પરિબળ સાબિત થઈ છે. DOPના ડાયરેક્ટર એ.આર. પટેલે જણાવ્યું હતું કે નવા જાહેરનામા અનુસાર, હવે તપાસ અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલી ચાર્જશીટમાં જો કોઈ પણ પ્રકારની કાયદાકીય ભૂલ જણાશે તો ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તેને પરત મોકલી શકશે અને તપાસમાં રહેલી ક્ષતિઓ સમયસર સુધરાવી શકશે. ખાસ કરીને છેતરપિંડી જેવા આર્થિક ગુનાના કેસોમાં આરોપીઓ છૂટી ન જાય તે માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ કોર્ટના હુકમો અને નિર્દોષ છૂટેલા કેસોનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરે છે, જેના આધારે અત્યાર સુધીમાં લાપરવાહ રહેલા ૯ પોલીસ અધિકારીઓ અને ૨ પબ્લિક પ્રોસિક્યુટરો સામે કડક કાર્યવાહીની ભલામણ કરાઈ છે તથા અન્ય ૯ પોલીસ અધિકારીઓને કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી છે.
અદાલતમાં પ્રોસિક્યુશનની કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ દ્વારા થયેલી ભૂલો અને તેના કારણોની પણ હવે વિગતવાર નોંધ રાખવામાં આવે છે. જો સમિતિની તપાસમાં સ્પષ્ટ થશે કે આરોપીઓ કોઈ સામાન્ય પ્રક્રિયાગત ભૂલના બદલે જવાબદાર અધિકારીઓની ગંભીર બેદરકારી કે લાપરવાહીના કારણે નિર્દોષ છૂટ્યા છે, તો સંબંધિત શિસ્ત અધિકારીને તેવા કસૂરવાર અધિકારીઓ સામે ખાતાકીય પગલાં ભરવા માટે સીધી ભલામણ કરવામાં આવશે. પોલીસ તપાસથી લઈને કોર્ટની ટ્રાયલ સુધીની આ કડક પદ્ધતિ અને જવાબદારી નક્કી કરવાની પ્રણાલીને કારણે ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો થયો છે અને ન્યાય પ્રણાલી પર સામાન્ય જનતાનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
