સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્રૂડ ઓઈલની વૈશ્વિક કિંમતોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક ભવિષ્યવાણી કરવામાં આવી છે. બેંકના રિપોર્ટ અનુસાર, અમેરિકા-ઈરાન સંઘર્ષમાં ઘટાડો, પશ્ચિમ એશિયામાંથી ક્રૂડ ઓઈલની નિકાસમાં વધારો અને વૈશ્વિક બજારો પરનું દબાણ ઓછું થવા જેવા કારણોસર વર્ષ ૨૦૨૭ સુધીમાં કાચા તેલના ભાવ ઘટીને આશરે ૭૦ પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ડીપ-લર્નિંગ ટેકનોલોજી આધારિત LTSM અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નરમાઈ આવીને તે સરેરાશ ૮૭ ડોલરની આસપાસ રહી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે.
આ આંતરરાષ્ટ્રીય ઘટાડાની સીધી અસર ભારત જેવા આયાતકાર દેશ પર પડવાની પૂરી શક્યતા છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું મોટું ઓઈલ આયાત કરે છે. જો ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને ૭૦ ડોલર પ્રતિ બેરલ થાય તો ઓઈલ કંપનીઓનો આયાત ખર્ચ ઘટશે, જેનાથી સામાન્ય નાગરિકોને પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવમાંથી રાહત મળી શકે છે. જોકે, નિષ્ણાતોના મતે ભારતમાં ઈંધણના ભાવ માત્ર ક્રૂડ ઓઈલ પર જ નહીં, પરંતુ ડોલર સામે રૂપિયાની સ્થિતિ, રિફાઇનિંગ ખર્ચ, સરકારી ટેક્સ અને ઓઈલ કંપનીઓના નફાના માર્જિન પર પણ આધાર રાખે છે. આ તમામ પરિબળો સાનુકૂળ રહે તો જ ગ્રાહકોને તેનો મહત્તમ લાભ મળી શકશે.
આર્થિક મોરચે અન્ય વિકાસની વાત કરીએ તો, ભારતમાં સી.પી.આઈ. આધારિત ફુગાવો ૬%ની સહનશીલતા મર્યાદા વટાવી ગયો છે છતાં આગામી સમયમાં તેમાં ક્રમશઃ ઘટાડો થવાની આશા છે. બાહ્ય વાતાવરણમાં સુધારો અને વિનિમય દરમાં સ્થિરતાને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં મોટા ફેરફારો કરવાની શક્યતાઓ હવે નહિવત્ બની ગઈ છે. ડિસેમ્બરમાં સામાન્ય વધારા સિવાય ફેબ્રુઆરીમાં વ્યાજદરો યથાવત રહે તેવી ધારણા છે. તાજેતરમાં દેશમાં નોંધાયેલા મજબૂત વિદેશી રોકાણ અને રૂપિયાના મૂલ્યમાં સુધારાના પ્રયાસો વચ્ચે SBIની આ ભવિષ્યવાણી ભારતીય અર્થવ્યવસ્થા અને સામાન્ય પ્રજા માટે આગામી દિવસોમાં મોટી રાહત લઈને આવી શકે છે.
