JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

લગ્નનું ખોટું વચન આપી શારીરિક સંબંધ બાંધવો એ BNS કલમ-69 હેઠળ શિક્ષાપાત્ર ગુનો: ગુજરાત હાઈકોર્ટ

લગ્નનું ખોટું વચન આપી શારીરિક સંબંધ બાંધવો એ BNS કલમ-69 હેઠળ શિક્ષાપાત્ર ગુનો: ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ કોઈ પણ કારણ વગર લગ્નનો ઈન્કાર કરવો તે ભારતીય ન્યાય સંહિતાની કલમ-69 હેઠળ ગંભીર અને દંડનીય ગુનો બને છે.

ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ કેસમાં કડક રૂખ અપનાવતા જણાવ્યું છે કે, જો કોઈ યુવક લગ્નનું વચન આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધે અને ત્યારબાદ કોઈપણ વ્યાજબી કારણ વગર લગ્ન કરવાની ના પાડે, તો તે સીધી રીતે છેતરપિંડી સાબિત કરે છે. આ કેસમાં જસ્ટિસ એમ. કે. ઠક્કરે આરોપી યુવક દ્વારા પોતાના વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ (એફઆઈઆર) રદ કરવા માટેની ક્વાશિંગ પિટિશનને ફગાવી દીધી હતી. અદાલતે અવલોકન કર્યું હતું કે શરૂઆતથી જ આરોપીનો ઈરાદો લગ્ન કરવાનો ન હતો પરંતુ માત્ર ખોટા વચનના આધારે શારીરિક સંબંધ બાંધવાનો જ હતો, જે કાયદાની નજરમાં એક અક્ષમ્ય અપરાધ છે.

આ સમગ્ર પ્રકરણની વિગતો મુજબ, અરજદાર યુવક અને 23 વર્ષીય ફરિયાદી યુવતી છેલ્લા બે વર્ષથી સંપર્કમાં હતા અને બંનેના પરિવારો લગ્ન માટે સંમત પણ થયા હતા. જોકે, સગાઈના દિવસે પરિવારમાં શોક સર્જાતા તે થઈ શકી ન હતી અને ત્યારબાદ યુવક યુવતીને ઉદયપુર લઈ ગયો હતો જ્યાં લગ્નના વચનના બહાને શારીરિક સંબંધો બંધાયા હતા. આ દરમિયાન યુવકના પિતા દ્વારા 15 લાખ રૂપિયાની માગણી પણ કરવામાં આવી હતી અને અંતે મે મહિનામાં યુવક તથા તેના પરિવારજનોએ સ્પષ્ટપણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જેના પગલે યુવતીએ અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ-69 હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

કોર્ટે સહમતિ અને છેતરપિંડી વચ્ચેની પાતળી રેખાને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે પુખ્ત વયની વ્યક્તિઓ વચ્ચેના સંબંધોમાં જો દૂષિત ઈરાદો છુપાયેલો હોય તો તેને માત્ર સહમતિ ગણી શકાય નહીં. સંજોગોની ચકાસણી દર્શાવે છે કે આ કેસમાં પ્રાથમિક દૃષ્ટિએ ગંભીર ગુનો બને છે અને તે કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગની વ્યાખ્યામાં આવતો નથી. ઉલ્લેખનીય છે કે 1 જુલાઈ, 2024થી અમલમાં આવેલી ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-69 હેઠળ લગ્નના ખોટા વચન કે છેતરપિંડીથી બાંધવામાં આવતા શારીરિક સંબંધોને વિશેષરૂપે દંડનીય અપરાધ ઘોષિત કરવામાં આવ્યા છે, જે મહિલાઓની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ કાનૂની પગલું છે.

LATEST ARTICLES