JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

ઈરાન યુદ્ધની અસર: અમેરિકન ઓટો માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનો પછડાયા, હાઇબ્રિડ કારોનું વેચાણ વધ્યું

ઈરાન યુદ્ધની અસર: અમેરિકન ઓટો માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનો પછડાયા, હાઇબ્રિડ કારોનું વેચાણ વધ્યું
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવને કારણે અમેરિકન ઓટોમોબાઈલ માર્કેટમાં મોટું પરિવર્તન આવ્યું છે. ઇલેક્ટ્રિક વાહનો (EV) ની ગતિ મંદ પડી છે, જ્યારે જાપાનીઝ અને સાઉથ કોરિયન કંપનીઓની હાઇબ્રિડ કારોનું બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે.

વર્ષ ૨૦૨૬માં મધ્ય પૂર્વના યુદ્ધના કારણે અમેરિકામાં પેટ્રોલ અને ઈંધણના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, જેના સીધા પરિણામે ઓટોમોબાઈલ માર્કેટનું સમીકરણ બદલાઈ ગયું છે. એક સમય પૂરતો ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) તરફ ઝુકાવ ધરાવતા ગ્રાહકો હવે હાઇબ્રિડ વાહનો તરફ વળ્યા છે, કારણ કે આ કારો પેટ્રોલ અને બેટરી એમ બંને વિકલ્પો પર ચાલી શકે છે. 'કોક્સ ઓટોમોટિવ'ના ડેટા મુજબ, ૨૦૨૫ના મધ્યથી હાઇબ્રિડ વાહનોના વેચાણમાં વીસ ટકાથી વધુનો વધારો થયો છે અને વર્ષના બીજા ત્રિમાસિક અંતે તેનો બજાર હિસ્સો વધીને રેકોર્ડ ૧૬.૩ ટકા પર પહોંચી ગયો છે. બીજી બાજુ, સરકારી ટેક્સ ક્રેડિટ્સ નાબૂદ થવાને કારણે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે.

આ બદલાતા પ્રવાહને ધ્યાનમાં રાખીને હોન્ડા, નિસાન અને જનરલ મોટર્સ જેટી દિગ્ગજ ઓટો કંપનીઓએ હાઇબ્રિડ સેગમેન્ટમાં કરોડોનું રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે. હોન્ડાએ ઓહાયોમાં નવી હાઇબ્રિડ ફેક્ટરી બનાવવા માટે ૩ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે, જ્યારે જનરલ મોટર્સ (GM) પણ બજારની માંગ મુજબ વિવિધ સેગમેન્ટમાં હાઇબ્રિડ કારો ઉતારવાની યોજના બનાવી રહી છે. નિસાને પણ અમેરિકન બજાર માટે 'રોગ' (Rogue) એસયુવીનું ખાસ હાઇબ્રિડ મોડેલ તૈયાર કર્યું છે, જે અમેરિકાના હાઈવે અને ડ્રાઇવિંગની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. કંપનીનું આ 'ઇ-પાવર' સિસ્ટમવાળું વાહન ગ્રાહકોને શાંત અને સ્મૂથ રાઇડનો અનુભવ કરાવશે.

હાઇબ્રિડ વાહનોની લોકપ્રિયતા પાછળ માત્ર ઊંચા ઇંધણના ભાવ જ નહીં, પરંતુ ગ્રાહકો માટે ઉપલબ્ધ નવા અને આકર્ષક વિકલ્પો પણ જવાબદાર છે. કિયા અને હ્યુન્ડાઈ જેવી દક્ષિણ કોરિયન બ્રાન્ડ્સના પ્રવેશથી આ સેગમેન્ટમાં સ્પર્ધા વધી છે. નિસાન અને ટોયોટા જેવી કંપનીઓ માને છે કે ઘણા ગ્રાહકો કદાચ અંતે પેટ્રોલ કાર ખરીદે તો પણ તેઓ શોરૂમમાં આવીને હાઇબ્રિડ કારની ટેસ્ટ ડ્રાઇવ લેવાનું પસંદ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે પિકઅપ ટ્રક અને ફૂલ-સાઇઝ એસયુવી જેવા લોકપ્રિય વર્ગોમાં હાઇબ્રિડ વાહનોના આગમનથી આગામી સમયમાં આ બજારમાં હજુ પણ મોટો વિકાસ જોવા મળી શકે છે.

LATEST ARTICLES