JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

દિવાળી વેકેશન બાદ ખુલતી બજારે સિંગતેલનો ડબ્બો રૂ. 3,110ની ઐતિહાસિક સપાટીએ, મોંઘવારીનો મોટો ડામ

દિવાળી વેકેશન બાદ ખુલતી બજારે સિંગતેલનો ડબ્બો રૂ. 3,110ની ઐતિહાસિક સપાટીએ, મોંઘવારીનો મોટો ડામ
નૂતન વર્ષના પ્રારંભે જ તેલબજારમાં સિંગતેલના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મગફળીનું ભરપૂર ઉત્પાદન અને નવી આવકો છતાં તેલલોબીની મનમાનીને કારણે સિંગતેલનો ડબ્બો રૂ. 3,110 ની નવી ઊંચાઈએ પહોંચ્યો છે.

નૂતન વિક્રમ સંવંત 2028 ના આરંભે જ સામાન્ય જનતા માટે મોંઘવારીના કડવા સમાચાર સામે આવ્યા છે. દિવાળીનું છ દિવસીય વેકેશન પૂરું થયા બાદ જ્યારે તેલબજાર ખુલી, ત્યારે સિંગતેલના ભાવોએ ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સિંગતેલનો 15 કિલોગ્રામનો ડબ્બો સીધો જ રૂ. 3,100 ની સપાટીને વટાવીને રૂ. 3,110 ની નવી ઐતિહાસિક અને સર્વોચ્ચ ટોચે પહોંચી ગયો છે. તહેવારોની ખુશી વચ્ચે રસોડાના મુખ્ય ખર્ચમાં થયેલા આ અચાનક અને તોતિંગ વધારાને કારણે સામાન્ય પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.

આશ્ચર્યજનક પાસું એ છે કે બજારમાં ભાવ વધવા પાછળનું કોઈ તાર્કિક કે વ્યાજબી કારણ નજરે પડતું નથી. વર્તમાન સમયમાં રાજ્યભરમાં મગફળીનું ઉત્પાદન પર્યાપ્ત માત્રામાં થયું છે અને યાર્ડ્સમાં નવી મગફળીની ધોધમાર આવક પણ થઈ રહી છે. ગત પાંચ વર્ષમાં મગફળીના પાકમાં અંદાજે 30 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે અને ગત વર્ષે તો 62 લાખ ટનનું રેકોર્ડબ્રેક ઉત્પાદન પણ થયું હતું. આમ છતાં, સાઈડ તેલોના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં અને માંગ સ્થિર હોવા છતાં સિંગતેલના ભાવ બેફામ રીતે વધી રહ્યા છે, જે બજારના અર્થશાસ્ત્ર સામે મોટા સવાલો ખડા કરે છે.

આ સ્થિતિ પાછળ તેલલોબીની બેફામ નફાખોરી અને સરકારી નિષ્ક્રિયતા જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. "લોકો બધું જ સહન કરી લેશે" તેવી પૂર્વધારણા બાંધીને તેલલોબીએ મનફાવે તેમ ભાવ વધાર્યા છે અને સરકારી ચૂપકિદીને મૌન મંજૂરી માની લીધી છે. જોકે, આ મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર એ છે કે કપાસિયા તેલના ભાવમાં રૂ. 70 અને પામતેલમાં રૂ. 30 નો ઘટાડો થયો છે. કપાસિયા તેલ અને સિંગતેલ વચ્ચે હવે મોટો તફાવત સર્જાતા નાગરિકો ઘરથ્થુ રસોઈ અને ફરસાણમાં સિંગતેલના વિકલ્પ તરીકે કપાસિયા તેલનો વપરાશ વધારવા તરફ વળે તેવી પ્રબળ સંભાવના છે.

LATEST ARTICLES