JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

યમુના નદીમાં માછલીઓના મોત અંગે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા બદલ દિલ્હીમાં એક વ્યક્તિની ધરપકડ

યમુના નદીમાં માછલીઓના મોત અંગે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા બદલ દિલ્હીમાં એક વ્યક્તિની ધરપકડ
દિલ્હીના સોનિયા વિહાર નજીક યમુના નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવાના આરોપસર સુરેન્દ્ર નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. જોકે, કાયદેસરની કાર્યવાહી બાદ તેને પોલીસ સ્ટેશનથી જ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

દિલ્હીના સોનિયા વિહાર અને વજીરાબાદ વિસ્તાર પાસે યમુના નદીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈને આવવાની ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે દિલ્હી સરકારના સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગની સત્તાવાર ફરિયાદના આધારે વજીરાબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૫૩, ૩૫૨ અને ૨૪૦ હેઠળ ગુનો નોંધીને ઉત્તર દિલ્હીના ગોપાલપુર નિવાસી સુરેન્દ્રની ધરપકડ કરી હતી. આરોપીએ ૧૨ નવેમ્બરના રોજ વજીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસેથી એક વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે જોતજોતામાં ખૂબ વાયરલ થયો હતો અને પાણીના પ્રદૂષણ અંગે ચિંતાઓ વધારી દીધી હતી.

પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ સુરેન્દ્ર સિંહ આઝાદે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે તેણે નદી કિનારે પૂર વિભાગના કર્મચારીઓને માછલીઓ એકત્રિત કરતા જોયા હતા અને કર્મચારીઓએ તેને પાણીમાં પ્રદૂષણ અને રસાયણોના કારણે માછલીઓ મરી ગયાનું જણાવ્યું હતું. આ વાતચીત અને સ્થળની સ્થિતિનો વીડિયો તેણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. છઠ પૂજાના તહેવાર નિમિત્તે મિત્રના ઘરે જઈ રહેલા સુરેન્દ્રને સાયબર સેલ અને વજીરાબાદ પોલીસની સંયુક્ત ટીમે રસ્તામાં જ અટકાયતમાં લીધો હતો અને મોરિસ નગર પોલીસ સ્ટેશને ખસેડીને કડક પૂછપરછ હાથ ધરી હતી. સુરેન્દ્ર અને તેના વકીલ અરવિંદે આ કેસ સામે કોર્ટમાં મજબૂતાઈથી લડત આપવાની જાહેરાત કરી છે.

આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે, જ્યાં દિલ્હીના જળ મંત્રી પરવેશ વર્માએ આમ આદમી પાર્ટી પર ભાજપ સરકારને બદનામ કરવા માટે જાણી જોઈને મૃત માછલીઓ નદીમાં ફેંકવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. બીજી તરફ, ‘આપ’ પક્ષે આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને યમુનાની સફાઈના દાવાઓ સામે સવાલો ઉઠાવીને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હાથીકુંડ બેરેજ નજીક આવેલી ટેનરીમાંથી છોડાતા રાસાયણિક પ્રદૂષણને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. છઠ પૂજાના પાવન અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યમુના ઘાટ પર આવવાના છે ત્યારે આ પ્રદૂષણ અને માછલીઓના રહસ્યમય મોતે ગંભીર ચિંતા ઊભી કરી છે.

LATEST ARTICLES