ગુજરાતમાં રેલવે માર્ગે ચાલતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી સામે સુરત રેલવે પોલીસને એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાંસલ થઈ છે. સુરત રેલવે પોલીસની સતર્ક ટીમ દ્વારા ટ્રેનોમાં સતત સઘન પેટ્રોલિંગ અને ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં જ્યારે પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેમાં શંકાસ્પદ ગતિવિધિઓ અને પ્રતિબંધિત સામગ્રી હોવાની માહિતી સામે આવી હતી, જેના પગલે પોલીસે તાત્કાલિક ધોરણે કડક પગલાં લીધાં હતાં.
આ ચેકિંગ દરમિયાન ટ્રેનના રિઝર્વેશન કોચ નંબર B6 ની સીટ નંબર 57 પાસેથી એક બિનવારસી હાલતમાં પડેલો શંકાસ્પદ સામાન મળી આવ્યો હતો. પોલીસે કોઈપણ પ્રકારની રાહ જોયા વિના તુરંત જ તે સામાનની ઝીણવટભરી તલાશી લીધી હતી, જેમાંથી આશરે 17.115 કિલોગ્રામ જેટલો ભારે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. આ પકડાયેલા જથ્થાની બજારમાં અંદાજે 8.55 લાખ રૂપિયાથી વધુી કિંમત આંકવામાં આવી રહી છે, જેને લઈને રેલવે સ્ટેશનના બેડામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રેનમાં પોલીસ ચેકિંગની ગંધ આવી જતા જ માદક પદાર્થની હેરાફેરી કરનાર મુખ્ય શખ્સ ડરના मारे ગાંજાનો આસમાન જથ્થો સીટ પાસે જ છોડીને પલાયન થઈ ગયો હતો. આ મામલે સુરત રેલવે પોલીસે સમગ્ર મુદ્દામાલ પોતાના કબજે કરી લીધો છે અને અજાણ્યા ઇસમ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીને પકડવા માટે રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તેમજ ટ્રેનના રિઝર્વેશન ચાર્ટની મદદ લેવામાં આવી રહી છે.
