શુક્રવારે બનેલી આ ઘટનામાં અમેરિકાના એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રોને જોડતા કમ્યુનિકેશન નેટવર્કમાં અચાનક મોટી ખામી સર્જાઈ હતી, જેના કારણે દેશભરમાં વિમાનોની અવરજવર ચાર કલાકથી વધુ સમય માટે અટકી ગઈ હતી. આ અડચણ માત્ર કોઈ એક એરપોર્ટ કે સિંગલ રૂટ પૂરતી સીમિત ન હતી, પરંતુ તેના કારણે પ્રાદેશિક એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રો વચ્ચેનું સંકલન ખોરવાઈ ગયું હતું. પરિવહન સચિન શાન ડફીએ જણાવ્યું હતું કે રિમોટ લોકેશન પર જૂના કોપર વાયરિંગને ફાઈબર-ઓપ્ટિક કેબલ સાથે બદલવાની કામગીરી ચાલી રહી હતી, તે જ સમયે સિસ્ટમ પર દર ૪ થી ૫ સેકન્ડમાં ૧,૦૦૦ કરતા વધુ કનેક્શન પ્રયાસોનો ભારે ભાર પડ્યો હતો. આ અણધારી ઓવરલોડ સ્થિતિના કારણે પ્લેન સાથેના સંચાર અને રડાર ફીડમાં જોખમી અવરોધો ઊભા થયા હતા, જેને પગલે મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આકાશમાં ઉડાન ભરતા વિમાનોને ગ્રાઉન્ડેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમેરિકાની આ એર ટ્રાફિક કંટ્રોલ પ્રણાલી ૨૨ પ્રાદેશિક કેન્દ્રોના માળખા પર કામ કરે છે, જે ૧૦,૦00 ફૂટથી વધુ ઊંચાઈ પર ઉડતા વિમાનોનું સંચાલન કરે છે. એરપોર્ટના કંટ્રોલ ટાવરથી લઈને ટર્મિનલ રડાર અને પ્રાદેશિક કેન્દ્રો સુધીની આ સાંકળ એક જટિલ પ્રક્રિયા દ્વારા વિમાનોને સુરક્ષિત માર્ગદર્શન આપે છે. જો કે, શુક્રવારની આ ઘટના 'રોલિંગ આઉટેજ' પ્રકારની હતી, જેમાં સમસ્યા કોઈ એક જગ્યાએ સ્થિર રહેવાને બદલે દેશના ૧૭ જેટલા વિવિધ પ્રાદેશિક કેન્દ્રોમાં વારાફરતી ફેલાઈ ગઈ હતી. નિષ્ણાતોના મતે, આ પ્રકારની નેટવર્કની ખામી સમગ્ર દેશમાં અસરો છોડે છે કારણ કે વિમાનો માત્ર એક બિંદુથી બીજા બિંદુ સુધી જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે અનેક રૂટ્સ પર સતત ગતિશીલ રહે છે. આ વ્યાપક સમસ્યાના કારણે ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ગ્રાઉન્ડિંગ ઓર્ડર પાછો ખેંચાયા બાદ પણ એરલાઇન્સને પોતાની સામાન્ય સ્થિતિ પુનઃપ્રાપ્ત કરવામાં હજુ થોડા દિવસોનો સમય લાગી શકે છે.
આ ગંભીર કટોકટી સમયે પણ પાયલોટ અને એર કંટ્રોલર્સ પાસે સલામતી જાળવવા માટેના અનેક બેકઅપ વિકલ્પો ઉપલબ્ધ રહ્યા હતા. વિમાનોમાં સેટેલાઇટ ફોન સિસ્ટમ્સ, ડાયરેક્ટ રેડિયો કમ્યુનિકેશન અને અન્ય પ્લેનની ઓળખ માટેના ખાસ ઉપકરણો સક્રિય હતા, જ્યારે એરપોર્ટ ટાવર પર રેડિયો ફેલ થવાની સ્થિતિમાં હાઇ-ઇન્ટેન્સિટી લાઈટ બીમનો ઉપયોગ કરીને સિગ્નલ આપવામાં આવ્યા હતા. તંત્ર હાલમાં આધુનિક ડિજિટલ કમ્યુનિકેશન સિસ્ટમ અને ફાઈબર-ઓપ્ટિક નેટવર્ક તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ ૧૨.૫ અબજ ડોલરના આ મોટા મૉર્ડનાઇઝેશન પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે હજુ વધુ ભંડોળની આવશ્યકતા છે. ભવિષ્યમાં આવા ટેકનિકલ જોખમો નિવારવા અને એર સ્પેસની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે એવિએશન સેક્ટરમાં માળખાકીય સુધારાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
