JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

માઇક્રોસોફ્ટના વૈશ્વિક આઉટેજથી સાત અબજ ડોલરનું નુકસાન, ચોવીસ કલાક બાદ સેવાઓ પૂર્વવત

માઇક્રોસોફ્ટના વૈશ્વિક આઉટેજથી સાત અબજ ડોલરનું નુકસાન, ચોવીસ કલાક બાદ સેવાઓ પૂર્વવત
માઇક્રોસોફ્ટની મુખ્ય સેવાઓમાં અચાનક સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામીના કારણે સમગ્ર વિશ્વમાં ૨૪ કલાકથી વધુ સમય સુધી ઠપ્પ રહેલા કારોબારથી આશરે સાત અબજ ડોલરનું જંગી નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મોટી આફત બાદ વીમા કંપનીઓને ૩૦ થી ૫૦ કરોડ ડોલર સુધીના ક્લેમ મળવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

માઇક્રોસોફ્ટના ઇતિહાસની સૌથી મોટી ટેકનિકલ ખરાબીના કારણે આઉટલૂક, ટીમ્સ અને એઆઈ કોપાયલોટ જેવી મહત્વપૂર્ણ સેવાઓ ૨૪ કલાક કરતાં વધુ સમય માટે ખોરવાઈ ગઈ હતી, જેનાથી વિશ્વભરની ઉત્પાદકતા પર માઠી અસર પડી હતી. આ ગંભીર આઉટેજને કારણે અમેરિકા, બ્રિટન, જાપાન, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ભારત સહિતના ૭૪થી વધુ દેશોની સરકારો, હેલ્થકેર સર્વિસિઝ, અદાલતો, એરલાઇન્સ અને બેન્કોની દૈનિક કામગીરી સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. ડાઉનડિટેક્ટર પર સામાન્ય દિવસોની સરખામણીએ ૧,૫૦૦ ગણી વધુ એટલે કે દર મિનિટે ૨૦ હજાર જેટલી ફરિયાદો નોંધાઈ હતી, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ૪૩ કરોડથી વધુ માઇક્રોસોફ્ટ ૩૬૫ યૂઝર્સને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ કોઈ સાઇબર હુમલો કે એઆઈ એજન્ટ્સનું કૃત્ય ન હોવાનું સ્પષ્ટ કરતા વોશિંગ્ટન સ્થિત રેડમંડે જણાવ્યું હતું કે સર્વરમાં સર્જાયેલી ખરાબી અને તેનાથી એઆઈ સહાયક કોપાયલોટ પર પડેલી અસરના કારણે આ પરેશાની ઊભી થઈ હતી. આ ગંભીર સમસ્યાને હલ કરવા માટે કંપની દ્વારા સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા અને આશરે એક દિવસની જહેમત બાદ શનિવારે તમામ સેવાઓ સફળતાપૂર્વક પુનઃ શરૂ કરી દેવામાં આવી છે. તેમ છતાં, આ વૈશ્વિક વિક્ષેપના કારણે વિશ્વભરની વીમા કંપનીઓ સમક્ષ ૩૦ થી ૫૦ કરોડ ડોલરના ક્લેમ આવવાની પૂરી સંભાવના છે, જ્યારે આર્થિક નુકસાનનો વાસ્તવિક આંકડો આગામી સમયમાં વધુ સ્પષ્ટ થશે.

આ ટેકનિકલ ખરાબીની વ્યાપક અસર વિવિધ દેશોની આવશ્યક સેવાઓ પર સ્પષ્ટપણે જોવા મળી હતી જ્યાં બ્રિટનમાં સરકારી આરોગ્ય સેવા એનએચએસ અને લંડન પોલીસને ઓનલાઇન સિસ્ટમ બંધ હોવાથી કાગળો અને વૈકલ્પિક પદ્ધતિઓનો સહારો લેવો પડ્યો હતો. ભારતમાં ઇન્ડિગો, અકાસા અને એર ઇન્ડિયાના પ્રવાસીઓની ઈ-મેઇલ સહાયતા સેવાઓ પ્રભાવિત થઈ હતી, જ્યારે યુરોપમાં યુરોનેકસ્ટ અને તાઇવાનમાં શેરબજાર તથા વીમા કંપનીઓના નાણાકીય કામકાજને ભારે અવરોધ નડતા અમુક સોદાઓ માટે ફેક્સ જેવા જૂના માધ્યમોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

LATEST ARTICLES