JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ટાટા સન્સના લિસ્ટિંગથી ગ્રુપની સદીઓ જૂની લોકકલ્યાણની પરંપરા જોખમાઈ શકે છે: નોએલ ટાટા

ટાટા સન્સના લિસ્ટિંગથી ગ્રુપની સદીઓ જૂની લોકકલ્યાણની પરંપરા જોખમાઈ શકે છે: નોએલ ટાટા
ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ટાટા સન્સના સંભવિત પબ્લિક લિસ્ટિંગ સામે મજબૂત વિરોધ નોંધાવ્યો છે. તેમનું માનવું છે કે શેરબજારમાં લિસ્ટ થવાથી કંપનીમાં પરોપકાર કરતાં નફો સર્વોપરી બની જશે, જે ટાટા ગ્રુપની મૂળ ઓળખ બદલી નાખશે.

મુંબઈમાં યોજાયેલા એક અગ્રણી નેતૃત્વ સંમેલનમાં બોલતા ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ સ્પષ્ટ કર્યું હતું કે ટાટા સન્સનું પબ્લિક લિસ્ટિંગ થવાથી ગ્રુપની ૧૫૦ વર્ષ જૂની પરંપરાને મોટો ફટકો પડી શકે છે. હાલમાં ટાટા સન્સના નફાનો ૬૬ ટકા હિસ્સો લોકકલ્યાણ અને પરોપકારના કાર્યો પાછળ વપરાય છે, જે સમગ્ર વિશ્વમાં એક અજોડ ઉદાહરણ છે. નોએલ ટાટાના મતે, આ વ્યવસ્થામાં ચેરિટી એટલે કે પરોપકાર હંમેશાં વાણિજ્ય કરતાં મોટો રહ્યો છે અને ચેરિટી જ વ્યાપારની માલિકી ધરાવે છે. જો કંપની શેરબજારમાં લિસ્ટ થાય અને હજારો પબ્લિક શેરધારકો સામે આવે, તો ભવિષ્યમાં લોકસેવા પાછળ જતો નફો ઘટી શકે છે અને શેરધારકોના હિતને ધ્યાનમાં રાખીને નફો જ સર્વોપરી બની જશે, જેનાથી ટાટા ગ્રુપની મૂળ કાર્યશૈલી મૂળમાંથી બદલાઈ જશે.

આ મુદ્દે ટાટા સન્સ સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના અપર-લેયર NBFC નિયમો હેઠળ લિસ્ટિંગ કરવાનું દબાણ પણ છે, જ્યારે ટ્રસ્ટના કેટલાક અન્ય ટ્રસ્ટીઓ નોએલ ટાટાના આ વિચારોથી ભિન્ન મત ધરાવે છે. ટ્રસ્ટના વાઈસ ચેરમેન વેણુ શ્રીનિવાસન અને વિજય સિંહ જેવા અગ્રણીઓ માને છે કે નોવો નોર્ડિસ્ક અને હર્ષી જેવી વૈશ્વિક કંપનીઓની જેમ પરોપકાર અને લિસ્ટિંગ સાથે, સહઅસ્તિત્વ ધરાવી શકે છે. તેમના મતે લિસ્ટિંગ થવાથી પારદર્શકતા, શાસન વ્યવસ્થા અને ડિવિડન્ડ પ્રવાહ વધુ મજબૂત બનશે જે પરોપકારના કાર્યોને વેગ આપશે. જોકે, નોએલ ટાટાએ આના જવાબમાં જણાવ્યું હતું કે ખાનગી સ્વરૂપ જાળવી રાખવાથી ટાટા સન્સ મુશ્કેલીમાં મુકાયેલી કોઈપણ ગ્રુપ કંપની માટે એક મજબૂત સંકટમોચક તરીકે ઊભી રહી શકે છે, જે પબ્લિક કંપની બન્યા પછી શક્ય બનવું મુશ્કેલ બને છે.

આ ઉપરાંત, નોએલ ટાટાએ ગ્રુપની વ્યુહાત્મક દિશાને સમર્થન આપવા સાથે તેની અમલીકરણ પ્રક્રિયા (એક્ઝિક્યુશન) પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભલે ગ્રુપનો ઉદ્દેશ્ય રાષ્ટ્ર નિર્માણ અને પરોપકારનો સારો હોય, પરંતુ મોટા પ્રોજેક્ટ્સના અમલીકરણમાં શિસ્ત અને મૂડી ફાળવણી અત્યંત આવશ્યક છે. લાંબા ગાળાના પ્રોજેક્ટ્સમાં જો પૂરતી શિસ્ત નહીં રાખવામાં આવે તો સફળતા મેળવવી મુશ્કેલ બનશે. ૧૫૦ વર્ષથી જે પદ્ધતિએ સફળતા અને જનકલ્યાણ પૂરું પાડ્યું છે તેમાં ફેરફાર કરવાના બદલે, નિયમનકારો સાથે મળીને એવો રસ્તો કાઢવો જોઈએ જેથી 'ટાટા વે' અક્ષुण્ણ રહે. આ ચર્ચા વિશ્વના ૧૮૦ અબજ ડોલરના વિશાળ ટાટા ગ્રુપના ભવિષ્યની માલિકી અને તેના વ્યાપારિક માળખાને લઈને અત્યંત નિર્ણાયક સાબિત થઈ રહી છે.

LATEST ARTICLES