JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અમદાવાદમાં કરોડોના આંધણ છતાં સાયકલ ટ્રેક અદૃશ્ય, આયોજનની પોલ ખુલ્લી પડી

અમદાવાદમાં કરોડોના આંધણ છતાં સાયકલ ટ્રેક અદૃશ્ય, આયોજનની પોલ ખુલ્લી પડી
વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સના યજમાન અમદાવાદ શહેરમાં બે દાયકામાં રૂ. 22 કરોડથી વધુના ખર્ચ પછી પણ સાયકલ ટ્રેક ગાયબ થઈ ગયા છે. દીર્ઘદૃષ્ટિ વગરના આયોજન અને તંત્રની બેદરકારીના કારણે પર્યાવરણ અને ફિટનેસ માટેનો આ મહત્વનો પ્રોજેક્ટ કાગળ પર જ સીમિત રહી ગયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પ્રદૂષણમુક્ત પરિવહન પૂરું પાડવાના દાવાઓ પોકળ સાબિત થયા છે. એક તરફ આગામી વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ તૈયારીઓ કરી રહ્યું છે, તો બીજી તરફ શહેરમાં સાયકલ ચલાવવા માટેના સમર્પિત કોરિડોરનું અસ્તિત્વ જ મિટાઈ ગયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના 'માય બાઈક' થીમ આધારિત પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં માત્ર અર્બન મંડળ ક્રોસરોડ અને દાણાપીઠ કચેરી જેવા ગણ્યાગાંઠ્યા સ્થળોએ જ સાયકલો નજરે પડે છે. વર્ષ 2014થી શરૂ કરીને અત્યાર સુધીમાં ટ્રાફિક સમસ્યા, બ્રિજ અને મેટ્રોના નિર્માણ તેમજ દબાણોના બહાના હેઠળ બી.આર.ટી.એસ. ટ્રેક સાથેના લાંબા સાયકલ કોરિડોરને ક્રમશઃ હટાવી દેવામાં આવ્યા છે.

શહેરમાં સાયકલ ટ્રેક બનાવવા પાછળ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે પરંતુ જમીની વાસ્તવિકતા શૂન્ય છે. રેકોર્ડ મુજબ, 132 ફૂટ રિંગ રોડ પર કેશવબાગથી જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ થઈ આઈ.આઈ.એમ. ચાર રસ્તા સુધી અંદાજે રૂ. 10 કરોડથી વધુના ખર્ચે સાયકલ ટ્રેકનું નિર્માણ કરાયું હતું. આ ઉપરાંત બોડકદેવ, આનંદનગર, જજીસ બંગલો રોડ અને પ્રહલાદનગર જેવા પોશ વિસ્તારોમાં પણ અલગથી આશરે રૂ. 5.50 કરોડના ખર્ચે ટ્રેક બનાવાયા હતા. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની 'અમૃત યોજના' હેઠળ પણ ઉસ્માનપુરાથી ગુજરાત યુનિવર્સિટી અને વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગથી સ્ટારબજાર જેવા પાંચ અલગ-અલગ રૂટ પર આશરે 17 કિલોમીટર લાંબા સાયકલ ટ્રેક માટે રૂ. 6.99 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, છતાં આજે આ તમામ ટ્રેક ગાયબ છે.

આ સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ સરકાર અને નેતાઓ નાગરિકોને 'સેવ પેટ્રોલ' અને પર્યાવરણ જાળવણીની સુફિયાણી સલાહો આપે છે, પરંતુ ભાજપ કે કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર કે નેતા ક્યારેય સાયકલ ચલાવીને મ્યુનિસિપલ કચેરી સુધી પહોંચ્યા હોવાનું જોવા મળતું નથી. લાખો નાગરિકોના પરસેવાની કમાણીના રૂ. 22 કરોડથી વધુ રકમ પાણીમાં ગઈ છે અને યોગ્ય દેખરેખ તેમજ ભવિષ્યની દૃષ્ટિ વગરના આયોજનના કારણે ગ્રીન મોબિલિટીનું સ્વપ્ન અધૂરું રહ્યું છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આગામી વૈશ્વિક સ્પોર્ટ્સ ઇવેન્ટ પહેલાં શહેરની છબી પર પણ વિપરીત અસર પડી શકે છે.

LATEST ARTICLES