અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટર્સમાં સર્જાયેલા ગંભીર સંચાર લોચાગ અને ટેકનિકલ ખામીના કારણે દેશભરની વિમાન સેવાઓ ખોરવાઈ ગઈ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યા અનુસાર, આ સમસ્યા ટેલિકોમ્યુનિકેશન નેટવર્કમાં રૂટીન મેન્ટેનન્સ કામગીરી અને કોન્ટ્રાક્ટર દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવેલા શંકાસ્પદ ખામીયુક્ત રાઉટરને કારણે થઈ હતી. શુક્રવારે ગ્રાઉન્ડ સ્ટોપ હટાવી લેવા છતાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ્સના આંકડા મુજબ શનિવાર સાંજ સુધીમાં ૬,૧૫૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને ૭,૩૦0થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી, જ્યારે રવિવારની પણ ૫૩૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી.
આ અણધારી કટોકટી પાછળ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી શૉન ડફીએ જણાવ્યું હતું કે, એફએએના કોન્ટ્રાક્ટર 'એલથ્રી હેરિસ' (L3Harris) દ્વારા જૂની કોપર વાયરીંગને ફાઈબર-ઓપ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં બદલવાની નિયમિત કામગીરી દરમિયાન ડેટા ઓવરલોડ થયો હતો. આ સિસ્ટમમાં દર ૪ થી ૫ સેકન્ડમાં ૧,૦૦૦ કરતા વધુ કનેક્શન પ્રયાસો થવાથી દેશભરના ૨૨ માંથી ૧૭ એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટર્સના રડાર અને કોમ્યુનિકેશન સિસ્ટમ અસ્થિર બન્યા હતા. વ્હાઇટ હાઉસ દ્વારા તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી, જોકે અધિકારીઓએ સાયબર હુમલા કે કોઈ વિદેશી દખલગીરીની શક્યતાને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
આ દુર્ઘટનાએ અમેરિકાના જૂના થઈ ગયેલા એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નબળાઈઓને ફરી એકવાર ઉજાગર કરી છે, જેના કારણે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમના આધુનિકીકરણ માટે ૫૦ અબજ ડોલરના ભંડોળની માંગ ઉઠી છે. એફએએના વ્રાયન બેડફોર્ડે જણાવ્યું હતું કે રવિવાર સુધીમાં એરલાઇન ઓપરેશન્સ મોટાભાગે સામાન્ય થઈ જશે, પરંતુ જ્યાં સુધી જૂની ટેકનોલોજી સંપૂર્ણપણે બદલાતી નથી ત્યાં સુધી જોખમ યથાવત રહેશે. શુક્રવારની આ ઘટના ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના હુમલા પછીની સૌથી લાંબી રાષ્ટ્રીય એર ટ્રાફિક હડતાલ સમાન સાબિત થઈ છે, જેને લઈને આગામી દિવસોમાં કોંગ્રેસમાં આકરી તપાસ અને જવાબદારી નક્કી કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
