JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરના હરિપરમાં એસઓજીના દરોડા: ૪૮૬ લીટર નકલી દૂધનો નાશ કરી વનસ્પતિ ઘી અને પાવડર જપ્ત

જામનગરના હરિપરમાં એસઓજીના દરોડા: ૪૮૬ લીટર નકલી દૂધનો નાશ કરી વનસ્પતિ ઘી અને પાવડર જપ્ત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં પોલીસે દરોડો પાડીને ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી ૪૮૬ લીટર શંકાસ્પદ દૂધનો નાશ કરી મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી અને દૂધ પાવડર જપ્ત કર્યો છે.

જામનગર જિલ્લામાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જામનગરના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામના રબારીવાસમાં એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે શંકાસ્પદ અને ભેળસેળયુક્ત દૂધ બનાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી એસઓજીની ટીમને મળી હતી. આ બાતમીના આધારે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક અસરથી દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં મોટા પાયે નકલી દૂધનું ઉત્પાદન ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસની આ સઘન કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આશરે ૪૮૬ લીટર જેટલું શંકાસ્પદ અને હાનિકારક દૂધ મળી આવ્યું હતું, જેને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી ગણીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દૂધ બનાવવાની પ્રક્રિયામાં વપરાતું ૭૫ કિલોગ્રામ વનસ્પતિ ઘી અને ૪૪ કિલોગ્રામ દૂધનો પાવડર પણ જપ્ત કરવામાં આવ્યા છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ સેફ્ટી ઓફિસરે સ્થળ પર પહોંચીને તમામ સામગ્રી અને દૂધના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે તથા બાકીનો જથ્થો સીલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં મોટા પ્રમાણમાં નકલી દૂધનું નેટવર્ક પકડાયું હતું, જે દર્શાવે છે કે આ પંથકમાં ભેળસેળ કરનારાઓ બેફામ બન્યા છે. અગાઉ ત્રણ મહિના પહેલાં હરિપર ગામમાં આરઆરસેલની ટીમે દરોડો પાડીને ૭,૧૫૦ લીટર ભેળસેળયુક્ત દૂધનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને કેટલાક શખ્સોની ધરપકડ પણ કરી હતી. વારંવાર સામે આવતી આવી ઘટનાઓથી લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે, ત્યારે પ્રશાસન દ્વારા આવા ભેળસેળના કારખાના ચલાવનારાઓ સામે વધુ કડક કાનૂની પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

LATEST ARTICLES