અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં છૂટાછેડા લીધેલા એક દંપતીના મામલામાં ફોર્ટ વર્થ સ્થિત સેકન્ડ કોર્ટ ઓફ અપીલ્સે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ડિવોર્સના આ કેસમાં મહિલાને પ્રોપર્ટીના વેચાણમાંથી મળનારી ચોખ્ખી રકમનો ૬૦ ટકા હિસ્સો આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે, જ્યારે એક રીસીવર દ્વારા આ ઘરના વેચાણ માટે ૬૮૫,૦૦૦ ડોલરની ઓફર સ્વીકારવામાં આવી, ત્યારે મહિલાએ આ ડીલનો વિરોધ કર્યો હતો. મહિલાની દલીલ હતી કે તેને પ્રોપર્ટીમાં મોટો હિસ્સો મળતો હોવાથી તેની મંજૂરી વગર આ વેચાણ આગળ ન વધવું જોઈએ, પરંતુ લોઅર કોર્ટે રીસીવરને પ્રક્રિયા ચાલુ રાખવાની મંજૂરી આપી હતી જેની સામે મહિલા અદાલતમાં ગઈ હતી.
અપીલ કોર્ટે નીચલી કોર્ટના આદેશને માન્ય રાખતા જણાવ્યું કે ડિવોર્સ ડી્રીમાં નાણાકીય હિસ્સો નક્કી કરવાનો અર્થ એ નથી કે પક્ષકારને કોર્ટ દ્વારા નિયુક્ત રીસીવરના અધિકારો સામે વીટો પાવર મળી જાય છે. કાયદાકીય પ્રક્રિયા મુજબ જ્યારે છૂટાછેડા લીધેલા પક્ષકારો મિલકતના વેચાણ બાબતે સહમત ન થઈ શકે ત્યારે કોર્ટ એક તટસ્થ રીસીવરની નિમણૂક કરે છે જે વેચાણની સમગ્ર પ્રક્રિયા સંભાળે છે. આ કેસમાં પણ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મહિલાનો ૬૦ ટકા નાણાકીય હિસ્સો કાયદાકીય રીતે સુરક્ષિત છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે ઘરના વેચાણની સમગ્ર પ્રક્રિયાને એક પક્ષીય રીતે અટકાવી શકે અથવા રીસીવરના નિર્ણયો પર કાબૂ રાખી શકે.
આ ચુકાદો કાયદાકીય દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો છે કારણ કે તે પ્રોપર્ટીના વેચાણમાંથી મળનાર માલિકી હિસ્સા અને વેચાણ પ્રક્રિયા પરના નિયંત્રણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. નિષ્ણાતોના મતે છૂટાછેડાના કિસ્સામાં જ્યારે મિલકતોનો વિવાદ હોય ત્યારે ડિવોર્સ ડી્રીમાં તમામ શરતો ખૂબ જ સ્પષ્ટ હોવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવા વિવાદો ટાળી શકાય. અંતે કોર્ટે રીસીવરને ૬૮૫,૦૦૦ ડોલરની ઓફર સાથે આગળ વધવાની અને વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપી હતી, જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે અદાલતી આદેશો અને રીસીવરની સત્તાઓ વ્યક્તિગત ઈચ્છાઓ કરતા ઉપર રહે છે.
