JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

ઝેરી સ્મોગ અને વાયુ પ્રદૂષણને કારણે ત્વચા અને વાળની સમસ્યાઓમાં મોટો વધારો

ઝેરી સ્મોગ અને વાયુ પ્રદૂષણને કારણે ત્વચા અને વાળની સમસ્યાઓમાં મોટો વધારો
વાયુ પ્રદૂષણ અને સ્મોગને કારણે દેશમાં ત્વચા અને વાળની સમસ્યાઓથી પીડાતા દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જેનાથી ત્વચાના ડર્મેટોલોજિસ્ટ્સ પાસે વિશેષ ઉપચાર માટેની પૂછપરછ વધી છે.

દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં છવાયેલા ઝેરી ધુમ્મસ અને વાયુ પ્રદૂષણની સીધી અસર હવે લોકોની ત્વચા અને સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન તહેવારોનો ધુમાડો, વાહનોના ધુમાડા અને શિયાળાની ઠંડીના કારણે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ જાય છે, જેના પરિણામે ત્વચા અને વાળના રોગ નિષ્ણાતો (ડર્મેટોલોજિસ્ટ્સ) પાસે આવતા દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના તાજેતરના અહેવાલ મુજબ, હવામાં પીએમ ૨.૫ (PM2.5)નું પ્રમાણ ભયજનક સપાટીએ પહોંચી ગયું છે, જે ત્વચા અને શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, પ્રદૂષણને કારણે યુવાનોમાં પણ ચહેરા પર ડાઘ, ખીંમ, ફોડલીઓ, ચામડીની લાલાશ, ડાઘ-ધબ્બા અને અકાળે વૃદ્ધત્વના લક્ષણો જોવા મળી રહ્યા છે. જે પુખ્ત વયના લોકોને ક્યારેય ખીલની સમસ્યા નહોતી થઈ, તેમને પણ હવે ખીલ અને ત્વચામાં બળતરાની ફરિયાદો રહે છે. આ ઉપરાંત, વાળના મૂળ તૈલી થવા, ડેન્ડ્રફ (રૂસી), માથાની ચામડીમાં ખંજવાળ અને અતિશય વાળ ખરવાની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. પ્રદૂષણના સૂક્ષ્મ કણો ત્વચા પર જામીને બળતરા પેદા કરે છે અને ત્વચાના કુદરતી રક્ષણાત્મક સ્તરને નુકસાન પહોંચાડે છે, જેનાથી અગાઉથી રહેલી ત્વચાની બીમારીઓ જેવી કે એક્ઝિમા અને સૉરાયિસસ વધુ વકરે છે.

આ ગંભીર સમસ્યાઓથી બચવા માટે લોકો હવે એન્ટી-પોલ્યુશન સીરમ, બેરિયર રિપેર ક્રીમ, ચારકોલ પ્રોડક્ટ્સ અને સ્કેલ્પ ડિટોક્સ ટ્રીટમેન્ટ્સનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. જો કે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ લોકો વધુ પડતા સ્ક્રબિંગ કે રોજિંદા ચારકોલના ઉપયોગથી ત્વચાના બેરિયરને વધુ નબળું પાડી રહ્યા છે. પ્રદૂષણ સામે રક્ષણ મેળવવા માટે ત્વચાની યોગ્ય કાળજી લેવી જરૂરી છે, પરંતુ અતિશય પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાને બદલે ત્વચારોગ નિષ્ણાતની સલાહ મુજબ સાવચેતીપૂર્વક પગલાં લેવા હિતાવહ છે.

LATEST ARTICLES