રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી (NHA) દ્વારા લેવામાં આવેલા આ નવા નિર્ણય અનુસાર, દેશભરમાં આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવનારી ૧૧૨ જેટલી બીમારીઓ અને તેના ઓપરેશનો ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે નહીં. આ અંતર્ગત અગાઉ ૨૩ પેકેજો સરકારી હોસ્પિટલો માટે આરક્ષિત હતા, જેમાં હવે વધુ ૮૯ પેકેજો ઉમેરીને કુલ ૧૧૨ બીમારીઓને માત્ર સરકારી આરોગ્ય સંભાળ કેન્દ્રો સુધી સીમિત કરવામાં આવી છે. આ તમામ દિશા-નિર્દેશો તમામ રાજ્યોના સ્વાસ્થ્ય ઓથોરિટીને મોકલી આપવામાં આવ્યા છે અને આ નવી સૂચિ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS) માં લાગુ કરવામાં આવશે, જોકે આ પેકેજોને ખાનગી હોસ્પિટલોમાંથી હટાવવા કે નહીં તેનો અંતિમ નિર્ણય સંબંધિત રાજ્ય સરકારોના હાથમાં રહેશે.
આ આરક્ષિત કરવામાં આવેલી સૂચિમાં સ્ત્રી રોગ (ગાયનેકોલોજી), સામાન્ય શસ્ત્રક્રિયા (જનરલ સર્જરી), માનસિક રોગ, જનરલ મેડિસીન, ઓર્થોપેડિક્સ, કાન-નાક-ગળા (ઈએનટી) અને નેત્ર રોગ જેવા મહત્ત્વના વિભાગોની બીમારીઓનો સમાવેશ થાય છે. આ ૧૧૨ પેકેજોમાં મુખ્યત્વે ડે કેર સારવાર, લાંબી બીમારીઓ અને જટિલ ઓપરેશનોનો સમાવેશ થાય છે જેમાં હાઈ રિસ્ક ડિલિવરી, આલ્કોહોલ લીવર ડિસીઝ, ગંભીર એનિમીયા, પેન્ક્રિયાટાઈટિસ, મેલેરિયા, ચિકનગુનિયા, ડાયરિયા, બાયોપ્સી, ફિસ્ટુલા, ગર્ભાશયનું ઓપરેશન, મોતિયાબિંદ, માનસિક વિકારો, એન્ઝાઈટી, હાડકાના ફ્રેક્ચર અને ઈએનટી લગતી વિવિધ સારવારોનો મુખ્યત્વે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ખાનગી હોસ્પિટલો પર થતો બિનજરૂરી આર્થિક ભારણ અને ખર્ચ ઘટાડવાનો તેમજ સરકારી હોસ્પિટલોની સુવિધાઓને વધુ મજબૂત કરીને સામાન્ય જનતાને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. અગાઉથી જ આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ જેવા અગ્રેસર રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થા આંશિક રીતે અમલમાં મૂકવામાં આવી ચૂકી છે. નિષ્ણાતોના મતે, આ પગલાથી સરકારી આરોગ્ય માળખાનો વિકાસ થશે અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે અથવા સચોટ સારવારનો સીધો લાભ મળી રહેશે.
