JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ફરજ અડગ: અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓની અનોખી ભાઈબીજ

Nov 11, 2026 | 12:25 | By JAMNAGAR MIRROR
ફરજ અડગ: અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓની અનોખી ભાઈબીજ
ભાઈબીજના પવિત્ર તહેવારે પરિવારથી દૂર રહીને અમદાવાદની મહિલા ટ્રાફિક પોલીસકર્મીઓએ નાગરિકોની સલામતી માટે અનોખી પહેલ કરી છે. ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહીને તેમણે વાહનચાલકોને હેલ્મેટ પહેરવા અને નિયમો પાળવા માટે પ્રેમપૂર્વક અપીલ કરી હતી.

ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતિક સમાન ભાઈબીજના પવિત્ર તહેવારે સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરતી હોય છે, પરંતુ અમદાવાદ ટ્રાફિક પોલીસની મહિલા પોલીસકર્મીઓએ આ પર્વની ઉજવણીનો એક તદ્દન અલગ જ અને પ્રેરણાદાયી અંદાજ રજૂ કર્યો છે. તહેવારના દિવસે પોતાના પરિવારથી દૂર રહીને પણ આ મહિલા પોલીસકર્મીઓ પોતાની ફરજ પર અડગ રહીને લોકસેવા કરી રહી છે. પોતાની સાથે અન્ય બહેનોના ભાઈની સલામતીની પણ ચિંતા ભાઈબીજના આ પાવન અવસરે આ મહિલા પોલીસકર્મીઓએ માત્ર પોતાના જ નહીં પરંતુ શહેરના દરેક નાગરિક અને ભાઈની સલામતીની ચિંતા કરીને એક અનોખો સંકલ્પ લીધો છે.

ટ્રાફિક પોઈન્ટ અને ડ્યુટીના સ્થળેથી જ તેઓ વાહનચાલકોને અટકાવીને પ્રેમથી સમજાવી રહી છે કે, "તમારે ઘરે તમારી બહેન તમારી રાહ જોઈ રહી છે, તેથી વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરો." તેમણે ખાસ કરીને હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવા અને સીટ બેલ્ટ બાંધવા માટે અપીલ કરી હતી, જેથી અકસ્માતોથી બચી શકાય. મહિલા પોલીસની આ સંવેદનશીલ પહેલ બની ચર્ચાનો વિષય અમદાવાદ પોલીસની આ માનવતાવાદી અને સંવેદનશીલ પહેલ હાલ સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની છે. રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને સામાન્ય નાગરિકોએ મહિલા પોલીસકર્મીઓની આ ભાવનાને અદભુત સન્માન આપ્યું છે.

તહેવારોની રજાઓમાં પણ પોતાની ફરજને સર્વોપરી ગણીને નાગરિકોના જીવનું રક્ષણ કરતી આ મહિલા પોલીસકર્મીઓએ સાચા અર્થમાં ભાઈબીજના પર્વની ગરિમા વધારી છે અને 'પોલીસ પ્રજાના મિત્ર છે' તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. મહિલાઓની આ નિઃસ્વાર્થ સેવા અને માર્ગદર્શનથી અનેક વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે, જે અકસ્માતો નિવારવા માટે અત્યંત આવશ્યક પગલું સાબિત થઈ રહ્યું છે.

LATEST ARTICLES