જામનગર પંથકના રામપર અને વાધા હડીયાણા ગામની સીમા પર આવેલું પૌરાણિક વિસોન્દીયા હનુમાનજીનું મંદિર આસ્થાનું મોટું કેન્દ્ર છે. લોકવાયકા મુજબ પાંડવકાળ સાથે જોડાયેલા આ પવિત્ર મંદિરે કાળી ચૌદસના પાવન અવસરે ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક યુવાનો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રામપર તથા વાધા હડીયાણા સહિતના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા આ ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન સમગ્ર પરિસરમાં 'જય શ્રીરામ' અને હનુમાનજીના જયઘોષ ગૂંજ્યા હતા, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે આધ્યાત્મિક અને ભક્તિમય બની ગયું હતું.
આ કાર્યક્રમ અંગે વિશેષ માર્ગદર્શન આપતા મંદિરના મહંત પરમેશ્વરાનંદ બાપુએ જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં કાળી ચૌદસને હનુમાનજી મહારાજ અને મહાકાળી માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ગણાવવામાં આવી છે. આ રાત્રિ દરમિયાન કરવામાં આવતી સાધના, જપ અને તપનું પુણ્ય અનેકગણું પ્રાપ્ત થાય છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ યજ્ઞમાં કોઈ પણ પ્રકારના અંગત ફળની અપેક્ષા રાખ્યા વિના માત્ર સમગ્ર માનવજાતના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના સાથે આહુતિઓ આપવામાં આવી હતી. આશ્રમ દ્વારા પરંપરાગત રીતે દર વર્ષે કાળી ચૌદસના દિવસે આ પ્રકારના વિશેષ યજ્ઞ, મંત્રજાપ અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે મહંતશ્રીએ સમાજમાં પ્રવર્તેલી અંધશ્રદ્ધા અને વહેમો સામે પણ લોકજાગૃતિનો સંદેશ આપ્યો હતો. તેમણે કાળી ચૌદસને અશુભ માનવાની કે ભૂત-પ્રેત જેવા ડર રાખવાની માન્યતાઓથી લોકોને દૂર રહેવા અનુરોધ કર્યો હતો. હનુમાનજીના સ્મારણ માત્રથી તમામ પ્રકારના ભય અને નકારાત્મકતા દૂર થઈ જાય છે તેમ જણાવતા તેમણે 'ભૂત પિશાચ નિકટ નહિ આવે, મહાવીર જબ નામ સુનાવે' પંક્તિનો ઉલ્લેખ કર્યો હતો. દાદામાં સાચી શ્રદ્ધા રાખીને અંધકાર અને વહેમથી મુક્ત થઈ જીવન જીવવાનો પ્રેરણાદાયી સંદેશ આ ધાર્મિક મહોત્સવ દ્વારા ભક્તોને પ્રાપ્ત થયો હતો.
