JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

સાગબારામાં જંગલની જમીનનો વિવાદ ઉગ્ર: 15 નવેમ્બર સુધીમાં હકપત્ર નહીં મળે તો આદિવાસી નેતાની આત્મવિલોપનની ચીમકી

Nov 09, 2026 | 22:30 | By JAMNAGAR MIRROR
સાગબારામાં જંગલની જમીનનો વિવાદ ઉગ્ર: 15 નવેમ્બર સુધીમાં હકપત્ર નહીં મળે તો આદિવાસી નેતાની આત્મવિલોપનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલની જમીનના હકપત્રને લઈને આદિવાસી ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી ૧૫ નવેમ્બર સુધીમાં ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

નર્મદા જિલ્લાના સાગબારા પંથકમાં જંગલની જમીનના ખેડાણ અને હકપત્રના વર્ષો જૂના પ્રશ્ને હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આદિવાસી ખેડૂતોને તેમની જમીનના કાયદેસરના હકપત્રો આપવામાં આવે તેવી માંગ લાંબા સમયથી પડતર છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા સ્થાનિકો અને આદિવાસી આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે આદિવાસી આગેવાન લીલા વસાવાએ સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર ૧૫ નવેમ્બર સુધીમાં તમામ ખેડૂતોને લેખિતમાં જમીન હકના અધિકારો નહીં સોંપે, તો તેઓ મજબૂર બનીને આત્મવિલોપનનું આત્યંતિક પગલું ભરશે. તેમની આ ચીમકીથી સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ છવાઈ ગઈ છે.

આ ગંભીર મુદ્દે રાજકીય અને સામાજિક મોરચે પણ વિરોધનાસૂર ઉઠવા લાગ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ સરકારની નીતિઓની આલોચના કરતા આદિવાસી ખેડૂતોના સમર્થનમાં રણનીતિ તૈયાર કરી છે. આંદોલનના ભાગરૂપે આગામી ૧૨ નવેમ્બરે મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો માંડવી સ્થિત ટી.એસ.પી. (ટ્રાઇબલ સબ પ્લાન) કચેરી ખાતે એકત્રિત થશે અને અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને જમીન સંબંધી દાવાઓનો ઝડપી નિકાલ લાવવા રજૂઆત કરશે. ખોપી ગામે ખેડૂતો સાથે યોજાયેલી પ્રાથમિક બેઠકમાં આ રણનીતિને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

જો ૧૨ નવેમ્બરની રજૂઆત બાદ પણ વહીવટી તંત્ર કે સરકાર દ્વારા કોઈ સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ વ્યાપક અને ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આગેવાનોના જણાવ્યા મુજબ, આ સંઘર્ષ હવે માત્ર બાર ગામ પૂરતો મર્યાદિત નહીં રહેતા ગુજરાતના સમગ્ર પૂર્વ પટ્ટામાં દાવાનળની જેમ ફેલાઈ શકે છે. આદિવાસી ખેડૂતોના અસ્તિત્વ અને જમીન હકની આ લડાઈમાં હવે સરકાર અને વહીવટી તંત્ર આગામી દિવસોમાં શું પગલાં ભરે છે અને આ વિવાદનો કેવો અંત આવે છે તેના પર સૌની મીાંડે છે.

LATEST ARTICLES