JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

મુંબઈમાં આગના બનાવો બાદ સ્કાય રોકેટ અને હવાઈ ફટાકડા પર 25 નવેમ્બર સુધી પ્રતિબંધ

Nov 09, 2026 | 18:00 | By JAMNAGAR MIRROR
મુંબઈમાં આગના બનાવો બાદ સ્કાય રોકેટ અને હવાઈ ફટાકડા પર 25 નવેમ્બર સુધી પ્રતિબંધ
મુંબઈમાં તાજેતરમાં આગની ઘટનાઓ વધતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા બીએમસી હદ વિસ્તારમાં આકાશમાં ઉડતા ફટાકડા અને રોકેટના ઉપયોગ પર આગામી ૨૫ નવેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મુંબઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ગત ૯ નવેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ અને કડક આદેશ જારી કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ની હદમાં સ્કાય રોકેટ તેમજ હવામાં ઉડતા અન્ય ફટાકડાના ઉપયોગ પર આગામી ૨૫ નવેમ્બરની રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મુંબઈ અને તેના ઉપનગરોમાં ફટાકડાને કારણે આગ લાગવાની અનેક દુર્ઘટનાઓ સામે આવી હતી, જેને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આવા હવાઈ ફટાકડાના સળગતા અવશેષો મકાનોની છત, બાલ્કની, બારીઓ કે અન્ય જ્વલનશીલ પદાર્થો પર પડવાથી ગંભીર આગનું જોખમ ઊભું થાય છે.

મુંબઈની ભૌગોલિક અને વસ્તી વિષયક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ અત્યંત અનિવાર્ય બન્યો છે. અતિશય ગીચ વસ્તીવાળા વિસ્તારો, ઊંચી ગગનચુંબી ઇમારતો, ઝૂંપડપટ્ટીઓ, સાંકડા રસ્તાઓ અને નજીક-નજીક બનેલા વ્યાપારી તથા રહેણાંક સંકુલમાં જો ફટાકડાના કારણે આગ લાગે તો તે ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ સંભવિત ખતરાને ટાળવા માટે જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રોમાં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં રહેણાંક ઇમારતો, ટેરેસ, રૂફટોપ, બાલ્કની, આંગણા, પાર્કિંગ એરિયા અને ઝૂંપડપટ્ટીઓ સહિતના તમામ સ્થળોનો સમાવેશ થાય છે.

આ આદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની સંબંધિત કલમો હેઠળ જારી કરવામાં આવ્યો છે અને તેનો કડક અમલ કરાવવા માટે વહીવટી તંત્રને નિર્દેશો આપવામાં આવ્યા છે. જે તે વિભાગીય નાયબ પોલીસ કમિશનરો, મ્યુનિસિપલ સહાયક કમિશનરો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને આ આદેશનો વ્યાપક પ્રચાર કરવાનો આદેશ અપાયો છે જેથી નાગરિકો જાગૃત બને. બીએમસીના જનસંપર્ક અધિકારીને પણ આ પ્રતિબંધ અંગે સામાન્ય જનતામાં જાગૃતિ ફેલાવવા અને માહિતી પહોંચાડવા ખાસ સૂચના આપવામાં આવી છે, જેથી તંત્રના નિયમોનું પાલન કરીને કોઈપણ મોટી દુર્ઘટનાને નિવારી શકાય.

LATEST ARTICLES