ઘરમાં કૂતરા કે બિલાડી જેવા પાળતુ પ્રાણીઓ રાખતા લોકો માટે લાંબી મુસાફરી કે વેકેશન પર જતી વખતે તેમને એકલા છોડવા હંમેશાં મોટો પડકાર રહે છે. આ સમસ્યાને હલ કરવા માટે ભારતીય રેલવેએ તેની અત્યાધુનિક વંદે ભારત સ્લીપર ટ્રેનમાં એક ક્રાંતિકારી પહેલ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આ ટ્રેનની અંદર પાળતુ પ્રાણીઓ માટે ખાસ 'ડોગ બોક્સ' અથવા એનક્લોઝર બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પાંજરા જેવા આ સુરક્ષિત બોક્સમાં દરવાજા માટે કુંડી તેમજ પ્રાણીઓના ખાવા-પીવા માટે અલગથી હોલ્ડરની સગવડ કરવામાં આવી છે, જેથી રાત્રે કે લાંબા અંતરની સફર દરમિયાન પાળતુ પ્રાણીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે.
રેલવેના પ્રવર્તમાન નિયમો અનુસાર, સામાન્ય રીતે મુસાફરો પોતાના કૂતરાઓને બ્રેક વાનના ડોગ બોક્સમાં અથવા ફર્સ્ટ એસી અને ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં જ સાથે રાખી શકતા હતા, જ્યાં અન્ય સહ-મુસાફરોની સંમતિ આવશ્યક રહેતી હતી. એસી ટુ ટિયર, થ્રી ટિયર કે સ્લીપર ક્લાસ જેવા સામાન્ય કોચમાં પાળતુ પ્રાણીઓને લઈ જવાની મંજૂરી નહોતી. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં આવેલી આ નવી સુવિધા મુખ્યત્વે કૂતરાઓ માટે છે, અને જો તેમાં બિલાડી કે અન્ય નાના પ્રાણીઓને લઈ જવા હોય તો તેના માટે રેલવેના સત્તાવાર દસ્તાવેજો અને નિર્ધારિત માર્ગદર્શિકા ચકાસી લેવી જરૂરી બને છે. આ સેવા માટે મુસાફરે લગેજ ચાર્જ ચૂકવવો પડે છે, જેમાં કૂતરાના વજન અને ક્લાસના આધારે અંદાજિત ૩૦ થી ૬૦ કિલોગ્રામ સુધીનો ચાર્જ લાગુ પડે છે, જ્યારે પાળતુ પ્રાણીના ખાવા-પીવા અને સંભાળની સંપૂર્ણ જવાબદારી તેના માલિકની જ રહે છે.
આ સુવિધાનો લાભ મેળવવા માટે મુસાફરો પાસે કન્ફર્મ ટ્રેન ટિકિટ હોવી અનિવાર્ય છે, કારણ કે આરએસી કે વેઇટિંગ લિસ્ટની ટિકિટ પર ડોગ બોક્સ બુક કરી શકાતું નથી તેમજ એક પીનઆર પર માત્ર એક જ પાળતુ પ્રાણીની મંજૂરી મળે છે. બુકિંગ પ્રક્રિયા માટે સંબંધિત રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસનો સંપર્ક કરવાનો રહે છે, જ્યાં પશુચિકિત્સક દ્વારા મુસાફરીના ૨૪ થી ૪૮ કલાક પહેલાં આપવામાં આવેલું ફિટનેસ સર્ટિફિકેટ, રસીકરણનો રેકોર્ડ અને કન્ફર્મ ટિકિટ જેવા દસ્તાવેજો ફરજિયાત રજૂ કરવા પડે છે. મુસાફરોએ દરેક રૂટની વંદે ભારત ટ્રેનમાં આ સુવિધા ઉપલબ્ધ ન પણ હોય તેને ધ્યાનમાં રાખીને, પ્રવાસનું આયોજન કરતા પહેલાં બુકિંગ અને નિયમોની તમામ માહિતી અગાઉથી મેળવી લેવી હિતાવહ છે.
