દેશભરમાં પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઉજવણી ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદને દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ખડગેએ દિવાળીની શુભકાભનાઓ પાઠવતા તેને 'ખુશીઓની એક ઈદ' તરીકે ઓળખાવી હતી. તેમણે કહ્યું હતું કે દિવાળી એ એક એવો મોટો તહેવાર છે જે લાંબા સમય સુધી ખુશીઓ લઈને આવે છે અને સમગ્ર દેશમાં ઉજવાય છે. જો કે, હિન્દુઓના પવિત્ર તહેવાર માટે 'ઈદ' શબ્દના રૂપકનો ઉપયોગ વિપક્ષી નેતાને ભારે પડ્યો છે અને આ નિવેદને ભાજપ તથા અન્ય પક્ષોને આક્રમક બનવાની તક પૂરી પાડી દીધી છે.
કોંગ્રેસ પક્ષ અને ખડગેના સમર્થકોએ આ નિવેદનનો બચાવ કરતા સ્પષ્ટતા કરી છે કે ૮૪ વર્ષીય નેતાનો હેતુ માત્ર સાંપ્રદાયિક સૌહાર્દ અને પરસ્પર આદર વધારવાનો હતો. કોંગ્રેસના જણાવ્યા મુજબ, અહીં 'ઈદ' શબ્દનો ઉપયોગ કોઈ ધાર્મિક સરખામણી માટે નહીં, પરંતુ ખુશીના ઉત્સવના વ્યાપક અર્થમાં અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે રૂપકાત્મક રીતે કરવામાં આવ્યો હતો. ખડગેએ પણ નાગરિકોને તહેવારની મોસમનો ઉપયોગ સામાજિક ભેદભાવ મિટાવવા અને દેશની એકતા મજબૂત કરવા માટે અપીલ કરી હતી, પરંતુ આ સ્પષ્ટતા વિવાદને શમાવવામાં નિષ્ફળ રહી હતી.
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે કોંગ્રેસ પર તીખા પ્રહારો કરતા કઠોર વલણ અપનાવ્યું છે. ભાજપના પ્રવક્તા સી.આર. કેશવને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પક્ષ પોતાની ઝેરી તુષ્ટિકરણની રાજનીતિ માટે હિન્દુ શ્રદ્ધાળુઓની આસ્થાને હંમેશાં ઠેસ પહોંચાડવામાં ક્યારેય ખચકાતો નથી. ભાજપે આ નિવેદનને કોંગ્રેસની 'હિન્દુ વિરોધી માનસિકતા' સાથે જોડતા મહાકુંભ અને છઠ પૂજાના સંદર્ભો પણ યાદ અપાવ્યા હતા. AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે પણ આ નિવેદનને ચૂંટણીલક્ષી રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો. આમ, દિવાળી જેવા પવિત્ર તહેવાર પર થયેલી આ રાજકીય ટાઢળ ઉત્સવના માહોલ વચ્ચે ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની ગઈ છે.
