ડાયમંડ સિટી સુરતમાં દિવાળીની પવિત્ર રાત્રે બે નિર્દોષ યુવકોના મોતથી દિવાળીનો ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો હતો. લિંબાયતના આઝાદનગર વિસ્તારમાં કલરકામ કરતા શ્રમિક યુવકની સાહિલ નામના શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં ચાલતા ગેરકાયદે દારૂ અને ગાંજાના વેપલાનો વિરોધ કરવાને કારણે આ ખૂની ખેલ ખેંચાયો હતો. બીજી તરફ, ભટાર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી તદ્દન નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ ૧૮ વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે નામના યુવાનની જાહેરમાં હત્યા કરી નાખી હતી, જેના પગલે ખટોદરા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી પણ કાળજું કંપાવનારા અહેવાલો સામે આવ્યા છે. અમરેલીના ખાંભા તાલુકાના ભગતવી પરા વિસ્તારમાં જૂના મનદુઃખને લઈને એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ ફાટી નીકળી હતી. તીક્ષ્ણ હથિયારો સાથે થયેલી આ ભયાનક મારામારીમાં સુલતાનભાઈ દાઉદભાઈ સોલંકીની છરીના ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી, જ્યારે અન્ય પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ખાંભા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ભાવનગર શહેરમાં પણ જૂની અદાવતની આગમાં એક યુવકનું દીવાળીની રાત્રે જ ઘર આંગણે જ ઢીમઢાળ થઈ ગયું હતું. કુંભારપરા વિસ્તારમાં રહેતો ૨૫ વર્ષીય રોહિત ઉર્ફે બટુ બુધાભાઈ બારૈયા જમવાનું પાર્સલ લેવા માટે ઘરની બહાર નીકળ્યો ત્યારે અગાઉની દુશ્મની ધરાવતા વિજય રાઠોડ, કાર્તિક રાઠોડ અને રામો રાઠોડ સહિતના શખ્સોએ તેને ઘેરી લીધો હતો અને ધારિયા, છરી તથા લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે નિર્દયી હુમલાખોરોએ મૃતકના ઘરે જઈને તેના માતા-પિતા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પિતા બુધાભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
