ટેક્નોલોજી જગતમાં ચકચાર મચાવનાર આ મામલામાં ચીની નાગરિક અને પૂર્વ ટેલિવિઝન રિપોર્ટર એલિસ હુઆંગ (જેને હુઆંગ લે તરીકે પણ ઓળખવામાં આવે છે) કેન્દ્રસ્થાને છે. સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની 'મેગાસ્પીડ'માં વરિષ્ઠ અધિકારી તરીકે કામ કરતી એલિસ હુઆંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચીપ નિર્માતા કંપની એનવીડિયાના CEO જેન્સન હુઆંગ સાથે ઘનિષ્ઠ સંબંધો કેળવ્યા હતા. 'ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, ચીનના સ્ટેટ સિક્યુરિટી મિનિસ્ટ્રીએ એલિસને ખાસ ગુપ્તચર મિશન માટે તૈયાર કરી હતી, જેથી કંપનીની અદ્યતન AI ચિપ્સના ચીન તરફી વેચાણ અને આંતરિક નિર્ણયોને પ્રભાવિત કરી શકાય. યુએસ ગુપ્તચર એજન્સીઓએ એક વર્ષથી વધુ સમય સુધી તેના સંચાર પર નજર રાખ્યા બાદ તેને ચીની જાસૂસ તરીકે ઓળખી કાઢી હતી.
મેગાસ્પીડ કંપનીની શંકાસ્પદ વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને અબજો ડોલરના વ્યવહારો પણ તપાસના ઘેરામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૪ની આસપાસ આ કંપનીએ અદ્યતન એનવીડિયા ચિપ્સની ખરીદી મોટા પાયે શરૂ કરી હતી અને બે વર્ષમાં આશરે ૪.૮ અબજ ડોલરથી વધુના પ્રોસેસર્સ ખરીદીને દક્ષિણપૂર્વ એશિયામાં એનવીડિયાની સૌથી મોટી ગ્રાહક બની ગઈ હતી. આ કંપની અદ્યતન ડેટા સેન્ટર્સ બનાવીને અલીબાબા જેવી ચીની ટેક્નોલોજી કંપનીઓને કમ્પ્યુટિંગ પાવર ભાડે આપતી હતી, જેના દ્વારા અમેરિકાના સખત પ્રતિબંધો છતાં ચીની કંપનીઓ સુધી એનવીડિયાની અત્યાધુનિક ચિપ્સ પરોક્ષ રીતે પહોંચતી હોવાની આશંકા છે. આ નેટવર્ક ચીનના લશ્કરી ટેક્નોલોજી અતિસંવેદનશીલ ક્ષેત્રો સાથે પણ જોડાયેલું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ વૈશ્વિક સ્તરે હલચલ મચી ગઈ છે, જોકે એનવીડિયાએ બચાવ કરતા જણાવ્યું છે કે CEO જેન્સન હુઆંગની તે મહિલા સાથેની મુલાકાતો સામાન્ય ગ્રાહક જોડાણો જેવા જ હતા અને તેમાં કોઈ સંવેદનશીલ વેપાર રહસ્યો શેર થયા નથી. બીજી તરફ, ૬૩ વર્ષીય CEO એ પોતાના પરિવાર પ્રત્યેની બેવફાઈની કબૂલાત કરીને માફી માંગી લીધી છે, જ્યારે એલિસ હુઆંગ તરફથી આ આરોપો પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તેમ છતાં, કંપનીના બોર્ડે આ મા A ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાહ્ય કાનૂની સલાહકારો દ્વારા આંતરિક તપાસના આદેશ આપી દીધા છે, જેથી રાષ્ટ્રીય સુરક્ષા કે ટ્રેડ સિક્રેટ્સ લીક થયા હોવાની શક્યતાઓને નકારી શકાય.
