દિવાળીનો તહેવાર રોશની અને ખુશીઓ લઈને આવે છે, પરંતુ આધુનિક સમયમાં આ તહેવાર પર થતી બેફામ આતશબાજી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની રહી છે. તાજેતરમાં જ રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે કંઈક આવા જ દશ્યો જોવા મળ્યા હતા, જ્યાં લોકોએ ઉત્સાહમાં આવીને મોટા પ્રમાણમાં ફટાકડા ફોડ્યા હતા. આ ફટાકડાના ભારે ધૂમાડા અને ઝેરી વાયુઓને કારણે શહેરની હવાની ગુણવત્તા એટલી હદે બગડી ગઈ કે તે રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગઈ હતી. AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) ની અધિકૃત વેબસાઈટ પર નોંધાયેલા આંકડાઓએ તંત્ર અને નાગરિકો બંને માટે ચિંતાની ઘંટડી વગાડી દીધી છે, કારણ કે હવાની આ સ્થિતિ જીવસાઇન માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે.
રાજકોટમાં દિવાળીની રાત્રે સમયની સાથે પ્રદૂષણનું સ્તર પણ કૂદકે ને ભૂસકે વધતું જોવા મળ્યું હતું. રાત્રે ૯:૩૧ વાગ્યે AQI ૩૪૯ નોંધાયો હતો, જે પહેલેથી જ ખરાબ શ્રેણીમાં આવતો હતો, પરંતુ રાત્રિના ૧૧:૩૧ વાગ્યે આ આંકડો વધીને ૫૬૨ પર પહોંચી ગયો હતો. જેમ જેમ રાત્રીનો સમય આગળ વધ્યો અને મધ્યરાત્રિએ આતશબાજી તેના પરાકાષ્ઠા પર પહોંચી, તેમ તેમ પ્રદૂષણે પણ તમામ હદો વટાવી દીધી હતી. રાત્રે ૧૨:૦૧ વાગ્યે AQI સીધો ઉછળીને ૯૨૨ પર પહોંચ્યો હતો, જે સામાન્ય માનવ જીવન માટે ભારે શ્વાસ રુંધામણ સર્જનારો હતો.
પરિસ્થિતિની ગંભીરતા ત્યારે ચરમસીમા પર પહોંચી જ્યારે રાત્રે ૧૨:૩૧ વાગ્યે રાજકોટમાં આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ ૧૦૭૮ AQI નોંધાયો હતો. આ આંકડો દર્શાવે છે કે શહેરની હવા કેટલી હદે ઝેરી અને જોખમી બની ગઈ હતી. વાતાવરણમાં ફેલાયેલા આ ભારે પ્રદૂષણને કારણે અસ્થમા, શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ તેમજ બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. પર્યાવરણવિદો અને તબીબો દ્વારા વારંવારની ચેતવણીઓ છતાં દિવાળીની રાત્રે નોંધાયેલું આ ભયજનક પ્રદૂષણ સ્તર ભવિષ્ય માટે એક ગંભીર ચેતવણી સમાન છે, જે તાત્કાલિક ધોરણે વિચાર માંગી લેતો ગંભીર પ્રશ્ન છે.
