વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોતાના સંદેશમાં ઉત્તરાખંડને આધ્યાત્મિક ચેતના અને અદભુત પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલી દિવ્ય ભૂમિ ગણાવી હતી. તેમણે પર્વતમાળાઓ, પવિત્ર નદીઓ અને ચાર ધામના પવિત્ર સ્થળોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ રાજ્ય તેની ભવ્ય સાંસ્કૃતિક વારસાથી એક અલગ જ ઓળખ ધરાવે છે. વડાપ્રધાને રાજ્યના નાગરિકોના પરિશ્રમ, પ્રતિભા અને પ્રગતિશીલ વિચારસરણીની પ્રશંસા કરતાં કહ્યું કે લોકોના સક્રિય સહયોગથી જ ઉત્તરાખંડ આજે વિકાસના દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેમણે રાજ્યના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તમામ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના પણ કરી હતી.
આ વિશેષ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઉત્તરાખંડની જનતાને અભિનંદન પાઠવ્યા હતા. પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડ તેની અજોડ પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધ લોક સંસ્કૃતિ, આધ્યાત્મિક વિરાસત અને શૌર્યની ગૌરવશાળી પરંપરાથી દેશની સાંસ્કૃતિક ચેતનાને સતત પ્રજ્વલિત કરી રહ્યું છે. મુખ્યમંત્રી યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વની પ્રશંસા કરતા ઉમેર્યું કે રાજ્ય આજે પ્રગતિના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે અને સતત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડનો સ્થાપના દિન દર વર્ષે ૯ નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, કારણ કે વર્ષ ૨૦૦૦માં આ દિવસે ઉત્તર પ્રદેશમાંથી અલગ થઈને આ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. લાંબા સમયની લોકમાગ બાદ ભારતનું ૨૭મું રાજ્ય બનેલા ઉત્તરાખંડનું પાટનગર દેહરાદૂન છે. હિમાલયની ગોદમાં વસેલું અને 'દેવભૂમિ' તરીકે ઓળખાતું આ રાજ્ય યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ જેવા પવિત્ર ચાર ધામો તથા મનમોહક પર્વતમાળાઓ માટે સમગ્ર વિશ્વમાં વિશેષ ધાર્મિક અને પર્યટન મહત્વ ધરાવે છે.
