JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

અંડર 19 એશિયા કપમાં પાકિસ્તાનની હાસ્યાસ્પદ ફિલ્ડિંગ, કેચ લેવા દોડેલા ત્રણ ખેલાડીઓ પરસ્પર સંકલનના અભાવે સરળ કેચ છોડ્યા

Nov 09, 2026 | 10:35 | By JAMNAGAR MIRROR
અંડર 19 એશિયા કપમાં પાકિસ્તાનની હાસ્યાસ્પદ ફિલ્ડિંગ, કેચ લેવા દોડેલા ત્રણ ખેલાડીઓ પરસ્પર સંકલનના અભાવે સરળ કેચ છોડ્યા
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓની નબળી ફિલ્ડિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સરળ કેચ પકડવા દોડેલા ત્રણ ખેલાડીઓની બેદરકારીથી ગુજરાતી ખેલાડી કાવ્યા પટેલને જીવનદાન મળ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો રમુજી વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

ક્રિકેટના મેદાન પર પાકિસ્તાની ટીમની નબળી ફિલ્ડિંગ અને ખરાબ સંકલન અવારનવાર ચર્ચાનો વિષય બનતા હોય છે, અને તાજેતરમાં ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલ અંડર 19 એશિયા કપ 2026ની ભારત-પાકિસ્તાન મેચમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. મેચની 44મી ઓવર દરમિયાન ભારતીય બેટ્સમેન કાવ્યા પટેલે બોલને હવામાન મોટો શોર્ટ રમવાનો પ્રયાસ કર્યો હતો, જે બેટની કિનારી વાગતા હવામાં ઊંચે ગયો હતો. પાકિસ્તાન માટે આ આસાન વિકેટ ઝડપવાની સુવર્ણ તક હતી, પરંતુ મેદાન પર રહેલા ત્રણ ખેલાડીઓ આ કેચ પકડવા માટે દોડ્યા હોવા છતાં કોઈએ પણ બોલ ઝીલવાની જવાબદારી લીધી નહોતી. પરિણામે, 'પહેલે આપ, પહેલે આપ' ની સ્થિતિમાં ત્રણેય ખેલાડીઓ જોતા રહ્યા અને એક સરળ કેચ ડ્રોપ થઈ ગયો, જેનો સીધો ફાયદો ગુજરાતી ખેલાડી કાવ્યા પટેલને જીવનદાનના રૂપમાં મળ્યો હતો.

આ રોમાંચક મુકાબલામાં ભારતીય ટીમે અર્જુન રાજપુતની શાનદાર સદીની મદદથી લડાયક સ્કોર બનાવ્યો હતો. અર્જુને માત્ર 85 બોલનો સામનો કરીને 11 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગાની મદદથી આક્રમક 107 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના કારણે ભારત મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યું હતું. જોકે, અર્જુન 36મી ઓવરમાં આઉટ થઈ જતાં ભારતીય ઇનિંગ્સ થોથવાઈ ગઈ હતી અને અંતે 46.3 ઓવરમાં સમગ્ર ટીમ 208 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી બોલિંગમાં અલી રઝા, રિઝવાનુલ્લાહ અને નિકાબ શફીફે ધારદાર પ્રદર્શન કરતા ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી અને ભારતને મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જો કે, 209 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ સામે પણ મેચ આસાન રહી નહોતી અને અંતે ભારે સંઘર્ષ બાદ તેણે 7 વિકેટ ગુમાવીને વિજય મેળવ્યો હતો. પાકિસ્તાન માટે વિકેટકીપર બેટ્સમેન હમઝા ઝહુરે જવાબદારીપૂર્વક બેટિંગ કરતા શાનદાર ઇનિંગ રમી હતી અને ટીમને વિજેતા બનાવવામાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી. આમ છતાં, મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા છોડવામાં આવેલો એ સરળ કેચ સોશિયલ મીડિયા પર યુઝર્સ માટે ભારે મનોરંજનનો વિષય બન્યો છે. સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો 'પહેલે આપ, પહેલે આપ' કેપ્શન સાથે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જે કટ્ટર હરીફાઈ ધરાવતી આ મેચમાં પણ હાસ્યનું મોજું ફેલાવી ગયો છે.

LATEST ARTICLES