વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તર સ્થિત કરણપુર કેમ્પ ખાતે સુરક્ષા દળો સાથે અનોખી શૈલીમાં દિવાળીની ઉજવણી કરી હતી અને આ પ્રસંગે દેશવાસીઓને સંબોધતા તેને એક ઐતિહાસિક દીપોત્સવ ગણાવ્યો હતો. આ વર્ષે ૩૧ માર્ચે બસ્તર સહીત દેશનો પ્રત્યેક જિલ્લો નક્સલવાદથી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે, જે લગભગ પાંચ દાયકાના સંઘર્ષ બાદ મળેલી એક મોટી સિદ્ધિ છે. વડાપ્રધાને સુરક્ષા જવાનોના સાહસ, બલિદાન અને દ્રઢ મનોબળને બિરદાવતા કહ્યું હતું કે ૪૭ વર્ષમાં આ પહેલીવાર બન્યું છે કે સીઆરપીએફ (CRPF)એ ઓપરેશનલ ડ્યુટી દરમિયાન એકપણ જવાન ગુમાવ્યા વગર આખું વર્ષ પૂર્ણ કર્યું છે. અગાઉના સમયને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે ૨૦ રાજ્યના ૨૩૦થી વધુ જિલ્લાઓમાં હિંસાનો આતંક હતો, જ્યાં સૂર્યાસ્ત પછી લોકો ઘરોમાંથી બહાર નીકળી શકતા ન હતા અને નક્સલીઓએ લોકોના મતદાનના અધિકાર પણ છીનવી લીધા હતા.
દેશમાંથી ડાબેરી ઉગ્રવાદને નાબૂદ કરવાના શ્રેયને મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ અને યોગ્ય રણનીતિને આપતા વડાપ્રધાને જણાવ્યું હતું કે ૨૦૧૪ પછી સરકાર બદલાતા જ સુરક્ષા દળોને નિર્ણાયક છૂટ આપવામાં આવી હતી. અગાઉની સરકારો પર આ સમસ્યા સામે લાચાર હોવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે પહેલાના શાસકોએ માઓવાદને એક અસાધ્ય રોગ માની લીધો હતો અને આદિવાસી સમુદાયોને તેમના ભાગ્યના ભરોસે છોડી દીધા હતા. ૨૦૧૦ના કુખ્યાત દાંતેવાડા હુમલા સહિતના ભયાનક સમયને યાદ કરીને તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારે માત્ર સુરક્ષા અભિયાન જ નહીં, પરંતુ નક્સલીઓના ફંડિંગ નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે અનેક કઠિન નિર્ણયો લીધા છે. વડાપ્રધાને એ વાત પર ભાર મૂક્યો હતો કે રાજકીય અને પ્રશાસનિક વ્યવસ્થાની અંદર રહેલા કેટલાક તત્વો અગાઉ આ ઉગ્રવાદને છૂપો ટેકો પૂરો પાડતા હતા, જેને વર્તમાન સરકારે સખત પગલાં લઈને ખતમ કર્યો છે.
શસ્ત્રોના ખાતમાની સાથેસાથે તે વિસ્તારોમાં વિકાસની ચાલને વેગવંતો બનાવ્યાની વિગતો આપતા વડાપ્રધાને જણાવ્યું કે માઓવાદીઓ હંમેશાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારીના વિકાસ કાર્યોમાં અડચણરૂપ બનતા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે સુરક્ષાઓની સાથે વિશેષ વિકાસ અભિયાન શરૂ કર્યું હતું, જેના અંતર્ગત નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ૧૫,૦00 કિલોમીટરથી વધુ લાંબા રસ્તાઓ અને ૯,૫00થી વધુ મોબાઇલ ટાવર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદિવાસી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ૧૭૫થી વધુ એકલવ્ય શાળાઓ, ૫૦ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જોકે, હથિયારધારી નક્સલવાદનો અંત આવ્યા બાદ પણ 'દિમાગી નક્સલીઓ' દ્વારા સંવિધાન અને લોકશાહી વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાના ચાલી રહેલા ષડયંત્ર સામે દેશવાસીઓને સચેત રહેવા અને આવા તત્વોને ઓળખીને હરાવવાની તાતી જરૂરિયાત પર વડાપ્રધાને વિશેષ ભાર મૂક્યો હતો.
