JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવની વકી, વૈશ્વિક પરિબળો રહેશે મુખ્ય જવાબદાર

Nov 09, 2026 | 04:00 | By JAMNAGAR MIRROR
આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવની વકી, વૈશ્વિક પરિબળો રહેશે મુખ્ય જવાબદાર
નિષ્ણાતોના મતે સોના અને ચાંદીના બજારમાં આગામી સમયમાં ભારે અસ્થિરતા જોવા મળી શકે છે. યુએસ-ઈરાન તણાવ, ક્રૂડ ઓઈલના ભાવ અને મોંઘવારીના આંકડા કિંમતી ધાતુઓની દિશા નક્કી કરશે.

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની ચાલ પર નજર રાખતા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ (વોલેટિલિટી) જોવા મળી શકે છે. બુલિયન રોકાણકારો હાલમાં ભૂ-રાજકીય વિકાસ અને આંતરરાષ્ટ્રીય બજારના પ્રવાહો પર અત્યંત નજીકથી નજર રાખી રહ્યા છે. યુએસ-ઈરાન સંઘર્ષની સ્થિતિ, ક્રૂડ ઓઈલની કિંમતોમાં થતા ફેરફારો અને વિવિધ દેશોના ફુગાવાના આંકડા સોના-ચાંદીના બજારને સીધી અસર કરશે. આ ઉપરાંત, ફેડરલ રિઝર્વના અધિકારીઓના નિવેદનો અને યુએસ રોજગારીના ડેટા પણ બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ અત્યંત સાવચેત રહેવાની જરૂર છે.

તાજેતરના સાપ્તાહિક કારોબારમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મજબૂત રિકવરી જોવા મળી હતી. કોમેક્સ પર ડિસેમ્બર ડિલિવરી માટેનું સોનું ૧૭૬ ડોલર એટલે કે ૪.૫ ટકાના ઉછાળા સાથે ૪,૦૭૪.૯ ડોલર પ્રતિ ઓઉંસ પર બંધ થયું હતું, જ્યારે ચાંદીમાં પણ ૨.૬ ડોલર એટલે કે ૫.૪ ટકાનો વધારો નોંધાઈને ભાવ ૫૧.૯૪ ડોલર પ્રતિ ઓઉંસ પર પહોંચ્યા હતા. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, નીચા સ્તરે નવી ખરીદી (બાર્ગેલ બાઇંગ) અને શોર્ટ-કવરિંગને કારણે કિંમતી ધાતુઓમાં આ સુધારો જોવા મળ્યો છે. જો કે, તાજેતરમાં ટેક્નોલોજી અને એઆઈ (AI) સંબંધિત શેરોમાં આવેલા ઘટાડાને કારણે વૈશ્વિક સ્તરે સુરક્ષિત રોકાણ (સેફ-હેવન) તરીકે સોનાની માંગમાં અચાનક વધારો થયો છે, જેનાથી બજારને મોટો ટેકો મળ્યો છે.

ભવિષ્યની બજારની ચાલ અંગે વાત કરીએ તો, મધ્ય પૂર્વમાં ચાલી રહેલો ભૌગોલિક તણાવ સોના-ચાંદીના ભાવ માટે સૌથી મોટું ચાલક બળ સાબિત થશે. અમેરિકા દ્વારા ઈરાન સામે સૈન્ય કાર્યવાહી અને બીજી તરફ વાટાઘાટોમાં પ્રગતિના સંકેતોએ રોકાણકારોમાં એક પ્રકારની અનિશ્ચિતતા ઊભી કરી છે. યુએસ-ઈરાન મુદ્દા ઉપરાંત રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો પણ રોકાણકારોની રડાર પર રહેશે. બજારના જાણકારોનું માનવું છે કે આ વૈશ્વિક ઘટનાક્રમ અને આર્થિક ડેટા આગામી સમયમાં સોના અને ચાંદીના બજારમાં મોટી ઉથલપાથલ સર્જવા માટે પૂરતા છે, તેથી રોકાણકારોએ દરેક પગલું ખૂબ જ વિચારીને ભરવું પડશે.

LATEST ARTICLES