આ સમગ્ર વિવાદ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે એનવીડિયાના સહ-સંસ્થાપક અને સીઈઓ જેનસેન હુઆંગ વિદેશી ગુપ્તચર એજન્સીઓના નિશાના પર હતા. યુએસ ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીનની એક મહિલા એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ ઉર્ફે હુઆંગ લે બેઇજિંગ માટે માહિતી એકત્ર કરી રહી હતી અને તેની જેનસેન હુઆંગ સાથે ઘનિષ્ઠ નિકટતા હતી. સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની 'મેગાસપીડ' સાથે સંકળાયેલી આ મહિલા અગાઉ ચીનમાં ટેલિવિઝન રિપોર્ટર રહી ચૂકી છે અને તેની કંપનીએ તાજેતરના વર્ષોમાં એનવીડિયા પાસેથી અબજો ડોલરના શિપની ખરીદી પણ કરી હતી, જેના કારણે આ સંબંધો વધુ શંકાના દાયરામાં આવ્યા છે.
આ ગંભીર આક્ષેપો બાદ જેનસેન હુઆંગે ખુદ પોતાના સ્ટાફ અને પરિવાર સમક્ષ ભૂલ સ્વીકારી લીધી છે. કર્મચારીઓને મોકલેલા એક સંદેશમાં તેમણે પોતાની પત્ની અને બાળકોની માફી માંગતા જણાવ્યું હતું કે તેમણે પત્ની પ્રત્યે બેવફાઈ કરી છે અને તેમના આ પગલાથી પરિવારને ભારે ઠેસ પહોંચી છે. બીજી તરફ, અમેરિકી સંસદના ટોચના રિપબ્લિકન કાયદાકીય સભ્યોએ પણ આ મામલે જેનસેન હુઆંગને કોંગ્રેસ સમક્ષ ઉપસ્થિત રહીને સ્પષ્ટતા કરવા માટે જણાવ્યું છે, કારણ કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા અને એઆઈ ટેકનોલોજીના વેપાર સાથે સીધો જોડાયેલો છે.
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં એનવીડિયાના બોર્ડ દ્વારા આ મામલાની સ્વતંત્ર તપાસ શરૂ કરવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીના ગુપ્ત ડેટા સાથે કોઈ ચેડા થયા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, છતાં બોર્ડ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. જો કે, આ સમગ્ર વિવાદ છતાં ૬૩ વર્ષીય જેનસેન હુઆંગ પોતાના પદ પર યથાવત રહેશે અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ સીઈઓ તરીકેની જવાબદારી સંભાળતા રહેશે. આ ઘટનાક્રમે વૈશ્વિક ટેકનોલોજી બજાર અને રાજકારણમાં મોટો હિલચાલ મચાવી દીધી છે.
