JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

દિવાળીની ઉજવણી વચ્ચે દિલ્હીની હવાની ગુણવત્તા કથળી, ૧૯ સ્ટેશનો પર AQI 'ગંભીર' સ્તરે પહોંચ્યો

Nov 09, 2026 | 04:45 | By JAMNAGAR MIRROR
દિવાળીની ઉજવણી વચ્ચે દિલ્હીની હવાની ગુણવત્તા કથળી, ૧૯ સ્ટેશનો પર AQI 'ગંભીર' સ્તરે પહોંચ્યો
દિવાળીના પર્વ પર દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી ગયું છે. ફટાકડાના ધુમાડા અને વાહનોના ધુમાડાને કારણે હવાનો એવરેજ AQI ૩૭૧ નોંધાયો હતો, જ્યારે ૧૯ વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે.

દિવાળીના પવિત્ર તહેવારની ઉજવણી વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણે ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. રવિવારે સાંજે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૩૭૧ પર પહોંચી ગયો હતો, જે 'ખરાબ' શ્રેણીમાં આવે છે. ઉત્સવના માહોલ વચ્ચે લોકો જ્યારે ફટાકડા ફોડીને દિવાળી મનાવી રહ્યા હતા, ત્યારે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર અનેક નાગરિકોએ શહેરમાં વિઝિબિલિટી ઘટવા અને આંખો તથા ગળામાં બળતરાની ફરિયાદો કરી હતી. દિલ્હીના ૫૯ મોનિટરિંગ સ્ટેશનો પરથી પ્રાપ્ત થયેલા આંકડાઓ અત્યંત આઘાતજનક છે, જે દર્શાવે છે કે ઉત્સવની ખુશીઓ પ્રદૂષણના ભારે ધુમ્મસ પાછળ છુપાઈ ગઈ છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા આંકડા મુજબ, સાંજે ૭ વાગ્યાની સ્થિતિએ ૧૯ મોનિટરિંગ સ્ટેશનો પર AQI 'ગંભીર' (Severe) શ્રેણીમાં નોંધાયો હતો, જ્યારે ૩૩ સ્ટેશનો પર તે 'ખૂબ જ ખરાબ' સ્થિતિમાં હતો. બાકીના સાત સ્ટેશનો પર હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં રહી હતી. ખાસ કરીને જહાંગીરપુરી વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત રહ્યો હતો, જ્યાં AQI સીધો ૪૬0 પર પહોંચી ગયો હતો. શનિવારના ૩૬૯ ની સરખામણીએ રવિવારે દિલ્હીનો સરેરાશ AQI વધીને ૩૭૬ થઈ ગયો હતો, જે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસવાના સંકેત આપે છે. એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) ની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ પ્રદૂષણનું આ જોખમ યથાવત રહી શકે છે.

આ ગંભીર પરિસ્થિતિ પાછળ અનેક પરિબળો જવાબદાર છે, જેમાં ફટાકડાના ઉત્સર્જન ઉપરાંત વાહનોનો ધુમાડો અને પડોશી રાજ્યોમાં પરાળ સળગાવવાની ઘટનાઓ મુખ્ય છે. હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે પ્રદૂષકો હવામાં ફેલાવાને બદલે જમીનની સપાટીની આસપાસ જ જમા થઈ રહ્યા છે. રવિવારે PM2.5 એ દિલ્હીમાં મુખ્ય પ્રદૂષક તરીકે સ્થાન લીધું હતું, જ્યારે પરિવહન ક્ષેત્રનું પ્રદૂષણમાં ૧૯ ટકા જેટલું મોટું યોગદાન રહ્યું હતું. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી પવનની ગતિ નહીં વધે અને વેન્ટિલેશનમાં સુધારો નહીં થાય, ત્યાં સુધી દિલ્હીવાસીઓએ આ ઝેરી હવામાં જ શ્વાસ લેવો પડશે.

LATEST ARTICLES