ઇજિપ્તની રાજધાની કાૈરોથી દક્ષિણમાં આવેલા ગીઝા પ્રાંતના અલ-અય્યાત જિલ્લામાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રાન્સપોર્ટેશન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફયુમ તરફ જઈ રહી પેસેન્જર ટ્રેને પાટા પર ઊભેલી અન્ય એક ટ્રેનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. કૈરોથી આસવાન જતી આ ટ્રેન તે જ ટ્રેક પર સ્થિર હતી ત્યારે ફયુમ જતી ટ્રેને તેને ધડાકાભેર ટક્કર મારી હતી. ચીફ પ્રોસિક્યુટરની ઓફિસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ ટક્કર પાછળના ભાગેથી થઈ હોવાનું સામે આવ્યું છે, જોકે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
ઘટનાસ્થળ પર હાજર સ્થાનિક રહેવાસીઓ અને બચેલા મુસાફરોએ આ ભયાનક અકસ્માતના રૂંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો વર્ણવ્યા હતા. કાફ્ર ગિરઝાના રહેવાસી અયમન ગામલે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. કેટલાક મુસાફરો ડબ્બામાં જ ફસાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. અન્ય મુસાફરોએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ ચારેય બાજુ ધૂળના ગોટેગોટા ઉડી ગયા હતા અને હાહાકાર મચી ગયો હતો. આસપાસના ગ્રામજનોએ સમયસૂચકતા વાપરીને ઘણા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
આ દુર્ઘટના બાદ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રેલવે ઓથોરિટી દ્વારા તુરંત જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ટ્રેક સાફ કરવા માટે ક્રેનો મોકલવામાં આવી હતી. ઇજિપ્તના રેલવે નેટવર્કમાં અગાઉ પણ નબળી જાળવણી અને વહીવટી ખામીઓના કારણે અનેક ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેને લઈને ફરી એકવાર મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા હાલ પટ્ટા પરની અવરોધો દૂર કરી વહેલી તકે રેલવે વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે.
