ગોવા સરકારે અને શૈક્ષણિક સંસ્થાઓએ રાજ્યમાં વધી રહેલા લગ્નવિચ્છેદ અને પારિવારિક વિવાદો સામે ચિંતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારા રાજ્યભરમાં પ્રી-મેરેજ કાઉન્સિલિંગ શરૂ કરવાની જાહેરાત બાદ, હવે 'ગોવા કોલેજ ઓફ હોમ સાયન્સ'ના હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડીઝ વિભાગ દ્વારા આગામી ડિસેમ્બરથી એક ઓપન સર્ટિફિકેટ કોર્સ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ યુવા વયના લોકો અને કોલેજના વિદ્યાર્થીઓને લગ્ન પહેલાં પોતાની માનસિક પરિપક્વતા તપાસવાની અને લાંબા ગાળાના સંબંધોની જવાબદારીઓ માટે તૈયાર થવાની તક પૂરી પાડવાનો છે.
અધિકૃત આંકડાઓ મુજબ, ગોવાની સિવિલ કોર્ટોમાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૫ વચ્ચે લગ્ન અને છૂટાછેડાને લગતી ૩,૦૦૦ કરતા વધુ અરજીઓ દાખલ થઈ છે, જેમાં એકલા વર્ષ ૨૦૨૪ માં જ ૯૪૭ કેસો નોંધાયા હતા. આ ચિંતાજનક સ્થિતિને નાથવા માટે આ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. કોલેજના સહાયક પ્રાધ્યાપક નાદિશા કોએલ્હોના જણાવ્યા અનુસાર, માત્ર યોગ્ય ઉંમર હોવી એટલે લગ્ન માટે માનસિક રીતે તૈયાર હોવું એવું નથી. ઘણા યુવાનો લગ્ન પહેલાં એકબીજાને પૂરતા સમજી શકતા નથી અને લગ્નની ધમાલમાં મહત્ત્વની વાતો છૂટી જાય છે, જેના કારણે સંબંધોમાં તિરાડ પડે છે. આ કોર્સ યુવાનોને પોતાના વ્યક્તિત્વને ઓળખવામાં અને સંબંધોની ગાડી યોગ્ય રીતે ચલાવવામાં મદદરૂપ બનશે.
આ સર્ટિફિકેટ પ્રોગ્રામમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન નહીં, પરંતુ વ્યવહારુ પ્રવૃત્તિઓ અને પર્સનાલિટી એસેસમેન્ટનો સમાવેશ કરવામાં આવશે. આ કોર્સ દ્વારા સહભાગીઓ તેમની ભાવનાત્મક પરિપક્વતા, ક્ષમાભાવ, સમાધાન કરવાની ક્ષમતા તેમજ પોતાના વ્યક્તિગત ગુણદોષોનું મૂલ્યાંકન કરી શકશે. લગ્નના ઉત્સાહમાં ડૂબી જવાને બદલે યુવાનો વાસ્તવિક જીવનની ભાગીદારી માટે માનસિક રીતે સક્ષમ બને અને પરસ્પર સમજણ કેળવીને ખુશહાલ જીવન જીવી શકે તેવો આ અભિગમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
